ગાંધીધામની મુખ્ય બજારમાં આગથી હડકંપ

ગાંધીધામની મુખ્ય બજારમાં આગથી હડકંપ
ગાંધીધામ, તા. 16 : શહેરની મુખ્ય બજારમાં આવેલા સાઈકલના શો રૂમની અગાસીમાં સમી સાંજે આગની દુર્ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દુકાનદાર દ્વારા વ્યાપકપણે કરાયેલાં દબાણ આગ બુઝાવવાની કામગીરીમાં આડખીલીરૂપ બનતાં આગ વધી હતી. સદ્નસીબે કલાકોમાં જ કાબૂ મેળવી લેવાતાં ગંભીર દુર્ઘટના થતાં અટકી હતી. શહેરના જવાહર ચોકમાં આવેલા કે.બી. સાઈકલ શો રૂમની છત ઉપર સાંજે 7 વાગ્યાના અરસામાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. પલભરમાં જ અગાસીમાં રહેલા ટાયર સહિતનો સામાન આગની ચપેટમાં આવી જતાં અગનજ્વાળાઓ તીવ્ર   બની હતી. સાઈકલના શો રૂમના માલિક દ્વારા લોકોને ચાલવા માટેની આર્કેડ શટર નાખી બંધ કર્યા ઉપરાંત ફૂટપાથ ઉપર પણ સાઈકલોનો માલ સામાન ખડકી દેવાયો છે. શો રૂમના આ દબાણનો મામલો ચર્ચાસ્પદ બન્યો છે. આગ લાગી ત્યારે આર્કેડ અને બહાર ફૂટપાથ પર ખડકેલો માલ-સામાન સગેવગે કરવામાં ખાસ્સો સમય લાગ્યો હતો. નગરપાલિકાના બે મિની ફાયર ફાઈટરોએ તાત્કાલિક બાજુની ઈમારતની સીડી મારફતે પાઈપ ત્રીજા માળે લઈ જઈ પાણીનો છંટકાવ શરૂ કરી દીધો હતો. બિલ્ડિંગના સમારકામ માટે લાકડાંની આડીઓ બાંધવામાં આવી હતી. આગની તીવ્ર જ્વાળાઓના કારણે લાકડાં સળગ્યા હતા અને સળગતા લાકડાં નીચે પડતાં ભય પ્રસર્યો હતો. એક તબક્કે વીજ વાયરો આગના સંપર્કમાં આવે તેવી દહેશત ફેલાઈ હતી. વીજતંત્ર દ્વારા તાત્કાલિક મુખ્ય બજારમાં વીજપુરવઠો બંધ કરાયો હતો. નગરપાલિકાના મિની ફાયર ફાઈટરોએ કામગીરી આદર્યા બાદ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરનું ફાયર ટેન્કર પણ આવ્યું હતું. અગાસીમાં એક વાર લાગેલી આગ ફરી શરૂ થઈ હતી. જેથી અગાસી ઉપર પાણીનો મારો કરવા માટે નગરપાલિકાની ક્રેન મારફતે પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જો કે બાદમાં ડીપીટીના ફાયર ટેન્કર દ્વારા પણ કામગીરી કરાઈ હતી.  નગરપાલિકાને આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા ફાળવાયેલું મોટું ફાયર ટેન્કર ખરાબ હાલતમાં હોવાનું  જાણવા મળ્યું હતું. ફાયર ફાઈટરોએ કામગીરી બજાવી હતી. પરંતુ તેની એક મર્યાદા હતી. દોઢેક કલાક બાદ 8.30 વાગ્યાના અરસામાં આગ કાબૂમાં આવી ગઈ હતી. ગાંધીધામની સમગ્ર મુખ્ય બજાર દબાણના અજગરી ભરડામાં છે ત્યારે આ એક ઘટના લાલબત્તીરૂપ હોવાનો મત શહેરમાં પ્રબુદ્ધ વર્ગોએ વ્યક્ત કર્યો હતો. ગાંધીધામ વેપારી મંડળના પ્રમુખ રાજુ ચંદનાનીએ મુખ્ય બજારમાં તમામ દબાણો હટાવવાની માગણી ધારાસભ્ય અને સુધરાઈ પ્રમુખ સમક્ષ કરી હતી. આ ઉપરાંત નગરપાલિકાના અગ્નિશમન દળને આધુનિક ફાયર ફાઈટર આપવા સહિતની માંગ પણ આ ઘટના બાદ થઈ હતી. બનાવનાં પગલે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, સુધરાઈ પ્રમુખ ગીતાબેન ગણાત્રા, ગાંધીધામ મામલતદાર સુરેશ શાહ બનાવસ્થળે આવી વિગતો મેળવી હતી. આગની ઘટના બનતાં શહેરીજનો આ ઘટનાને કેમેરામાં કેદ કરવામાં વ્યસ્ત થઈ ગયા હતા. ટ્રાફિક પોલીસ મોડી પહોંચતાં બજારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આગના ફોટા-વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer