અમરાવતી યુનિ.ના રાષ્ટ્રીય સેમિનારમાં વાગડ ફોલ્ટ અંગે સંશોધનપત્ર રજૂ થયું

અમરાવતી યુનિ.ના રાષ્ટ્રીય સેમિનારમાં વાગડ ફોલ્ટ અંગે સંશોધનપત્ર રજૂ થયું
ભુજ, તા. 16 : અમરાવતી યુનિવર્સિટીના જીયોલોજી વિભાગમાં રાષ્ટ્રીય કક્ષાના સેમિનારમાં કચ્છ યુનિવર્સિટીનું વાગડ ફોલ્ટ વિશે સંશોધનપત્ર રજૂ કરાયું હતું. તા. 19 થી 21 ડિસેમ્બરના અમરાવતી યુનિ. ના જીયોલોજી વિભાગમાં  બેસીન ડાયનાસોર ફેસીસ આર્કિટેકચર એન્ડ પ્લેઓ કલાઈમેટ વિષય પર એક રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર યોજાયો હતો. આ દરમ્યાન ઈન્ડિયન એસોસીએશન ઓફ સેડીમેન્ટોલોજીસ્ટના 34માં અધિવેશનને પણ ખુલ્લું મુકાયું હતું તેની સામાન્ય સભા પણ યોજાઈ હતી. સેમિનાર દરમ્યાન 90 જેટલા રીચર્સ પેપરનું વાંચન તથા સ્પેશિયલ વોલ્યુમમાં પ્રકાશન પણ કરાયું હતું. કન્વીનર પ્રો. અશોક શ્રીવાસ્તવ એક જાણીતા સેડીમેન્ટોલોજીસ્ટ છે. તેમણે કચ્છમાં પણ સંશોધન કરેલું છે. તેમણે આ પ્રસંગે સંત શ્રી ગાડગે બાબા અમરાવતી યુનિવર્સિટીના જીયોલોજી વિભાગનું એક સોવિનીયર પણ પ્રકાશિત કરેલું જેમાં વિદર્ભ પ્રાંતની જીયોલોજીની માહિતી આપેલી છે.  કચ્છ યુનિ.ના ભૂસ્તરશાત્ર વિભાગના અધ્યક્ષ પ્રો. એમ. જી. ઠકકર દ્વારા એકિટવ ફોલ્ટ-સાઉથ વાગડ ફોલ્ટ વિશે સંશોધનપત્ર રૂપે ગહન અભ્યાસ રજૂ કર્યો હતો તથા ઈન્ડિયન એસો. ઓફ સેડીમેન્ટોલોજીસ્ટની આગામી વર્ષો માટેની બેઠક કચ્છ યુનિવર્સિટીમાં યોજવા માટે આમંત્રણ આપ્યું હતું. એસો. ના પ્રમુખ પ્રો. નાયક, ઉપપ્રમુખ પ્રો. જી. એમ. ભાટ, જમ્મુ યુનિવર્સિટી  દ્વારા પ્રો. ઠકકરના વિચારને બિરદાવાયો હતો તેમજ ખાતરી પણ આપવામાં આવી કે 2020માં આ બેઠકનું આયોજન કચ્છ ખાતે કરી શકાય.  આ પ્રસંગે ભારતના `ડાયનાસોર મેન' તરીકે ઓળખાતા પ્રો. મોહાબે દ્વારા ખેડા જિલ્લાના રહિયોલી તેમજ મધ્યપ્રદેશના નર્મદાની ખીણમાં મળી આવતા ડાયનાસોરના અશ્મિઓ વિશે જાણકારી અપાઈ હતી. પ્રમુખ વકતવ્ય ફીઝીકલ રિસર્ચ લેબોરેટરીના નિવૃત્ત વિજ્ઞાની ડો. અશોક સિંઘવીએ આપ્યું હતું. તેમણે ભૂસ્તરીય રચનામાં સમય નક્કી કરવાની વિવિધ પદ્ધતિઓ તથા તેમાં આવતા ગેપ વિશે ચર્ચા  કરવામાં આવી હતી.  ત્રીજા દિવસે ક્ષેત્રિય અભ્યાસ માટે સાલબર્ડી ખાતે સમગ્ર પ્રતિનિધિ મંડળને ડાયનાસોરના ઈંડાના અશ્મિ અને અન્ય ભૂસ્તરીય વિવિધતા બતાવવામાં  આવ્યા હતા.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer