વવાર પાટિયા નજીકથી ભુજનો યુવાન કારમાં શરાબ લઇ જતાં ઝડપી પડાયો

વવાર પાટિયા નજીકથી ભુજનો યુવાન કારમાં શરાબ લઇ જતાં ઝડપી પડાયો
ભુજ, તા. 16 : મુંદરા તાલુકામાં વવાર ગામના પાટિયા નજીક બાતમીના આધારે વોચ ગોઠવી દરોડો પાડીને મુંદરા પોલીસે મારુતિ અલ્ટો કારમાં રૂા. 26 હજારની કિંમતનો અંગ્રેજી પ્રકારનો દારૂ લઇ જતાં ભુજના રાજેન્દ્રનગરમાં રહેતા રોહિત દેવજી લાખા નામના યુવકને પકડી પાડયો હતો. આ આરોપીની પૂછતાછમાં નવા માધાપર (ભુજ)ના યોગેશ ડાલુમલ ગુરનાની અને ભચાઉના ઉમેશ ઉર્ફે ઉમલો નામના શખ્સનું નામ સપાટીએ આવ્યું છે.  પોલીસ સાધનોએ આપેલી માહિતી મુજબ આ પ્રકરણમાં પોલીસે ગોઠવેલી વોચ દરમ્યાન બાતમી મુજબની જી.જે.12-એ.ઇ.-3810 નંબરની અલ્ટોને રોકીને તેની તલાશી લેવાતાં તેમાંથી આરોપી રોહિત લાખા શરાબની 65 બાટલીઓ સાથે મળી આવ્યો હતો. પોલીસે રૂા. દોઢ લાખની કાર પણ કબ્જે લીધી હતી.  તહોમતદારની પૂછતાછમાં દારૂનો આ જથ્થો તેને મળવા પછવાડે નવા માધાપરના યોગેશ ગુરનાની અને ભચાઉના ઉમેશ ઉર્ફે ઉમલાની ભૂમિકા હોવાનું પણ સપાટીએ આવતાં પોલીસે આ ત્રણેય જણ સામે ગુનો દાખલ કર્યો હતો. યોગેશ અને ઉમેશને પકડવા માટે તપાસનીશોએ ચક્રો ગતિમાન કર્યાં છે. મુંદરાના પોલીસ ઇન્સ્પેકટર એમ.જે. જલુ સાથે સ્ટાફના કાનજીભાઇ જાટિયા, રાજેશ કુંભારવાડિયા, જીતુદાન ગઢવી, પ્રદ્યુમનાસિંહ ગોહિલ, ખોડુભા ચૂડાસમા વગેરે જોડાયા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer