ભુજમાં દીક્ષાર્થીની રથયાત્રા નીકળતાં ઉત્સાહભેર સ્વાગત

ભુજમાં દીક્ષાર્થીની રથયાત્રા નીકળતાં ઉત્સાહભેર સ્વાગત
ભુજ, તા. 16 : ઘણાં વર્ષો બાદ અહીં યોજાયેલા મુમુક્ષુ નિતકુમાર હેમેન્દ્ર શાહની દીક્ષાના પ્રસંગ નિમિત્તે ભવ્ય સાંજી, સાંધ્ય ભક્તિનો કાર્યક્રમ આદિનાથ જિનાલયે પાર્શ્વનાથ પ્રભુ હોલમાં યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.  ત્યારબાદ દીક્ષા અંગીકાર નિમિત્તે  રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સાઈકલ પર સવાર નાના ભૂલકાં, ઈંદ્ર ધજા રથ તથા પ્રભુજીના રથ સાથે દીક્ષાર્થી નિતકુમાર જોડાયા હતા.  રથયાત્રામાં મુમુક્ષુ નિતકુમારના મામા તથા રાપરના માજી ધારાસભ્ય પંકજભાઈ મહેતા, દિલીપભાઈ શાહ, સાત સંઘના પ્રમુખ તથા માજી ધારાસભ્ય મુકેશભાઈ ઝવેરી, ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય, તપગચ્છ જૈન સંઘના પ્રમુખ શાંતિલાલ ઝવેરી, મેને. ટ્રસ્ટી કીર્તિભાઈ શાહ, નીલેશભાઈ મહેતા તેમજ સમગ્ર ટ્રસ્ટીગણ હાજર રહ્યા હતા. આરાધના ભુવન જૈન સંઘના ધીરજભાઈ મહેતા, નવીનભાઈ મહેતા, અચલગચ્છના પ્રમુખ મહેન્દ્રભાઈ, છ કોટિ જૈન સંઘના અમરશીભાઈ, આઠ કોટિ મોટી પક્ષના વિનોદભાઈ મહેતા, આઠ કોટિ નાની પક્ષના નીતિનભાઈ શાહ તેમજ સાતે સંઘના ભાઈઓ-બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.  રથયાત્રાનું આયોજન તપગચ્છ જૈન સંઘ, ભુજ તેમજ દયાબેન વાડીલાલ મૂળજી પરિવાર દ્વારા કરાયું હતું. જેમાં હેમેન્દ્રભાઈ વાડીલાલ શાહના સમસ્ત પરિવારજનો ગામેગામથી જોડાયા હતા. ભુજ તપગચ્છ જૈન સંઘ દ્વારા મુમુક્ષુ નિતકુમાર હેમેન્દ્ર શાહનું તિલક, શાલ, શ્રીફળ તથા માળા પહેરાવી બહુમાન કરવામાં આવ્યું હતું. બેઠું વર્ષીદાન દીક્ષાર્થી નિતકુમારે તપગચ્છ સંઘના મોટા ઉપાશ્રયમાં કર્યું હતું. સંઘ જમણનું જૈન ગુર્જર વાડી મધ્યે આયોજન કરવામાં આવ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer