કચ્છની જનતા માટે અમે પાંચે વર્ષ જાગશું

કચ્છની જનતા માટે અમે પાંચે વર્ષ જાગશું
ગાંધીધામ, તા. 16 : જિલ્લાના ચૂંટાયેલા ધારાસભ્યો અને સામાજિક, શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ ખાતાના રાજ્યમંત્રી વાસણભાઇ આહીરના સન્માન સમારંભનો કાર્યક્રમ શહેરની ચેમ્બર ઓફ કોમર્સ ખાતે યોજાયો હતો, જેમાં કચ્છની પ્રજા ખમીરવંતી, પ્રેમાળ અને પ્રભાવશાળી છે. તેમણે પોતાનું દાયિત્વ નિભાવ્યું છે અને હવે અમે પાંચ વર્ષના 1824 દિવસ પ્રજા માટે જાગશું તેવું રાજ્યમંત્રી શ્રી આહીરે જણાવ્યું હતું. અહીંની અગ્રણી વેપારી સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સના ભવન ખાતે શ્રી આહીરે સન્માન બદલ આભાર વ્યક્ત કરી 25 વર્ષથી આ સંસ્થા સાથે પોતાનો નાતો હોવાનું કહ્યું હતું. ગુજરાતની વેપારી સંસ્થાઓમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ આગવું સ્થાન ધરાવે છે. `સૌનો સાથ સૌનો વિકાસ' સૂત્રને પોતાનું સૂત્ર ચેમ્બર બનાવે તેવું તેમણે કહ્યું હતું તથા 21મી સદી જ્ઞાનની સદી છે અને હવે ચા, દૂધ વેચવાવાળાઓનો જમાનો હોવાનું કહી પોતાને સૌથી સસ્તા મંત્રી તરીકે વર્ણવ્યા હતા. પદ, પ્રતિષ્ઠા અને પૈસા હોય તો તેમને સારા કામ માટે યાદ કરાય છે અને બે રૂપિયે કિલો દૂધ વેચવાવાળાને વિધાનસભામાં બેસવાનો મોકો મળ્યો છે ત્યારે કરણી અને કથની જેની એક હોય તેની પ્રગતિને કોઇ રોકી શકતું નથી તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે ભૂકંપ અને વાવાઝોડા વખતના સંસ્મરણો વાગોળ્યા હતા. મીઠા ઉદ્યોગ માટે રૂા. 19 કરોડની ફાળવણી તથા હવે 30 વર્ષે મીઠાની જમીનો રિન્યૂ કરાતી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ ચેમ્બર ઓફ કોમર્સે પોતાને સંકુલની નાની-મોટી સમસ્યાઓ અંગે ધ્યાન દોર્યું છે તે બદલ આભાર વ્યક્ત કરી તેમના સૂચન, માર્ગદર્શન તળે આ સંકુલનો વિકાસ કરવાની નેમ તેમણે વ્યક્ત કરી હતી. પ્રારંભમાં તલવાણાના શહીદ જવાન હરદીપસિંહને મૌન દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ચેમ્બર પ્રમુખ બાબુભાઇ હુંબલે વાસણભાઇ આહીર, માલતીબેન મહેશ્વરી, પાલિકા અધ્યક્ષા ગીતાબેન ગણાત્રાનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. શહેર ભાજપ પરિવાર, નગરપાલિકા, કંડલા કસ્ટમ હાઉસ એજન્ટ એસો., સિન્ધુપ્રેમ ટ્રસ્ટ, ભારતીય યાદવ મહાસભા, આહીર સમાજ, અગ્રવાલ સમાજ, ટિમ્બર એસો., આર્યસમાજ, રોટરી કલબ, લાયન્સ કલબ, ગુરુદ્વારા પ્રબંધ કમિટી, પંજાબી સમાજ, મારવાડી યુવા મંચ, રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ, જી.આઇ.ડી.સી. એસો., ટ્રાન્સપોર્ટ એસો., ગુડઝ શેડ એસો., કચ્છ સ્મોલ સ્કેલ મેન્યુફેકચરિંગ, કંડલા કોમ્પ્લેક્સ ક્ષત્રિય સમાજ, વેપારી મંડળ, કચ્છ બુલિયન એસો., કચ્છ મલયાલી એસો., માનવતા ગ્રુપ, જૈન સેવા સમિતિ, સથવારા સમાજ, થરી માહેશ્વરી સમાજ, ઝૂલેલાલ મંદિર ટ્રસ્ટ, કંડલા મુંદરા કન્ટેનર એસો., લોહાણા સમાજ, હોટલ ઓનર્સ એસો., પટેલ સમાજ, આંધ્ર સમાજ, ઉડિયા સમાજ, આર્કિટેક્ટ એસો., મુસ્લિમ સમાજ, સમસ્ત નાગર મંડળ વગેરે સમાજ, સંસ્થાઓ દ્વારા ધારાસભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન મંત્રી મુરલીધર જગાણીએ કર્યું હતું. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer