ધાર્મિક સ્થળો સારા વિચારોનું ઉદ્ભવ કેન્દ્ર

ધાર્મિક સ્થળો સારા વિચારોનું ઉદ્ભવ કેન્દ્ર
અંજાર, તા. 16 : શહેરના અતિ પ્રાચીન સત્યનારાયણ ભગવાનના મંદિરના પુન: નિર્માણ બાદ પાંચમા પાટોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે ઉપસ્થિત મોટી સંખ્યામાં ભક્તોને શીખ આપતા મંદિરના મહંત પૂજારી જોષી શશિકાન્ત  હર્ષે જણાવ્યું હતું કે, ધાર્મિક સ્થળોએ હમેશાં સાચા સારા વિચારોના ઉદ્ભવ સ્થાનનું કેન્દ્ર છે. ધાર્મિક કાર્યમાં વપરાયેલું ધન કયારેય એળે જતું નથી. વહેલી સવારે ભગવાનને પંચામૃત-કેસર સ્નાનવિધિ, વિષ્ણુ યજ્ઞ, કથા તેમજ સાંજે મહાઆરતી, સમૂહ મહાપ્રસાદ,  વિ. યોજાયા હતા. યજ્ઞના આચાર્યપદે લાલા મહારાજ, બટુકભાઈ પંડયા, ઉપાચાર્ય તરીકે અશ્વિન મહારાજ પંડયાએ ધાર્મિક વિધિ સંપન્ન કરાવી હતી. સત્યનારાયણ કથાના વકતા ધર્મેશ હર્ષે કથાનું મહત્વ સમજાવી સારા કાર્યમાં સહયોગી થવા જણાવ્યું હતું. ટ્રસ્ટી હરિભાઈ ચૌહાણ, સંજયભાઈ વરૂ, હિમાંશુભાઈ વરૂ, ધારસીભાઈ ખોડિયાર, રમેશભાઈ ચૌહાણ, જોષી હરીશભાઈ હર્ષ, ગંભીરસિંહ જાડેજા, મોહનભાઈ સચદે, પ્રવીણભાઈ સથવારા વિ.એ સહયોગ આપ્યો હતો. મંદિર ખાતે દર પૂનમની સાંજે 6થી 8 સત્યનારાયણ ભગવાનની કથા તેમજ મહા આરતીનું આયોજન કરાય છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer