ભુજના રેલવે સ્ટેશને ઊભરાતી ગટરની સમસ્યા ઉકેલવા તાકીદ

ભુજના રેલવે સ્ટેશને ઊભરાતી ગટરની સમસ્યા ઉકેલવા તાકીદ
ભુજ, તા. 16 : ભુજના રેલવે સ્ટેશને જવા માટેના રસ્તે છેલ્લા લાંબા સમયથી ઊભરાતી ગટરનાં કારણે પ્રવાસીઓથી માંડી ખુદ રેલવે કર્મચારીઓ પણ પરેશાન બન્યા છે. રેલમથકે પહોંચવા માટેના મુખ્ય રસ્તે વારંવાર ગટર ઊભરાતી હોવાના બનાવ બને છે અને અનેક ફરિયાદો પછી માંડ બંધ થાય છે. થોડા સમય સુધી ગટરનાં પાણી રસ્તા પર વહેતા બંધ તો થાય છે પરંતુ પુન: ચાલુ થઇ જતાં આ સમસ્યાનો અંત આવતો નથી. વળી જ્યાં ગટરનું ગંદું દુર્ગંધવાળું પાણી બહાર નીકળે છે ત્યાં નજીકમાં જ રેલવે કર્મચારીઓની વસાહત છે. 24 કલાક આ દુર્ગંધથી પરિવારજનો પણ પરેશાન થઇ ગયા છે. હજારો પ્રવાસીઓના આવાગમનનાં સ્થળ એવા રેલવે સ્ટેશને છેલ્લા કેટલાક દિવસથી ઊભરાતી ગટરની સમસ્યા તાત્કાલિક ઉકેલવા નિવાસી અધિક કલેક્ટર દ્વારા રેલવેના સ્ટેશન માસ્ટરને લેખિત જાણ કરાઇ છે.  સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર નિવાસી અધિક કલેકટર દ્વારા પશ્ચિમ રેલવેના સ્ટેશન માસ્ટરને રાજ્ય પ્રવાસન વિકાસ નિગમના મેનાજિંગ ડિરેકટર જેનુ દેવાન અને અરજદાર ઋષિ ઉપાધ્યાયના ઇ-મેઇલની નકલ સાથે લેખિતમાં જણાવ્યું હતું કે, ભુજના રેલવે સ્ટેશનની આસપાસ વ્યવસ્થિત સુએજ નિકાલની વ્યવસ્થા ન હોવાને પગલે વારંવાર ગટર ઊભરાય છે. જાહેર સ્થળોએ આવી ગંદકીને પગલે દૂરથી આવતા પ્રવાસીઓ શહેરની ખોટી છાપ લઇને જાય છે. જેથી આ સમસ્યાને તાત્કાલિક ધોરણે ઉકેલવા અને કરેલી કાર્યવાહીનો રિપોર્ટ સાત દિવસમાં રજૂ કરવા પત્રમાં જણાવાયું હતું.  આ અંગે રેલવે અધિકારી દ્વારા સુધરાઇને જાણ કરી ગટરના વહેતા પાણીને બંધ?કરાવવા જણાવ્યું છે. જો કે, સુધરાઇના આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર ગટરલાઇનને અવરોધ દૂર કરી નખાયું છે અને લાઇન પણ શરૂ થઇ ગઇ હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer