શું મનરેગા યોજના માત્ર શૌચાલય માટે જ છે ?

શું મનરેગા યોજના માત્ર શૌચાલય માટે જ છે ?
ભુજ, તા. 16 : મનરેગા યોજના શું માત્ર ને માત્ર શૌચાલયો બનાવવા માટે જ છે કે પછી લોકોને રોજીરોટી આપવાનો ઉદ્દેશ પણ છે ? ઉપરાંત ગ્રાન્ટ ફાળવણીમાં અન્યાય સહિતના સવાલો સાથે તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષે આજે પ્રશ્નોની ઝડી વરસાવી હતી. જો કે, શાસકોએ પણ એક બાદ એક પ્રશ્નોના ઉત્તર વાળ્યા હતા. આજે તાલુકા પંચાયત કચેરીના હોલ ખાતે અધ્યક્ષા કંકુબેન હમીરભાઇ ચાવડાના અધ્યક્ષ સ્થાને મળેલી સામાન્ય સભામાં વિપક્ષી નેતા જુમાભાઇ સમાએ નવેક પ્રશ્નોના ઉત્તર શાસકો પાસેથી માગ્યા હતા, જેમાં નારેગા યોજનાના કાર્યોમાં થતું ખર્ચ, રતડિયા ગામમાં શું શું કાર્ય કર્યા તેની વિગત, બન્ની પચ્છમમાં ક્યા ગામમાં કાર્યો થયા અને કેટલું ચૂકવણું કરાયું, કેટલા મજૂરો હતા, ટપક પદ્ધતિથી ખેતી કરતા ખેડૂતોની સમસ્યા વિ. માહિતી માગી હતી.  વિપક્ષી ઉપનેતા રાજેશ આહીરે જણાવ્યું કે, અનેક કંપનીઓ વેરો નથી ભરતી, જે અંગે વારંવાર રજૂઆત છતાં પગલાં નથી લેવાતાં, જેને પગલે ગ્રામ પંચાયતોને નુકસાની ભોગવવી પડે છે.  જો કે, તમામ પ્રશ્નોના ઉકેલ માટે જે-તે સ્તરે કાર્યવાહી કરવા પ્રમુખ કંકુબેને જણાવ્યું હતું.  પ્રારંભે ગત બેઠકના ઠરાવોનાં વાંચન સાથે બહાલી અપાઇ હતી. આ ઉપરાંત વર્ષ 2017-18નું સુધારેલું તથા 18-19નું અંદાજપત્રનું નાયબ હિસાબનીશ દક્ષાબેને વાંચન કર્યું હતું. જેમાં સ્વભંડોળ સરકારી પ્રવૃત્તિ વિભાગ અને લોન-દેવા વિભાગ સહિત 1/4/16ની ઉઘડતી સિલક 290532 તથા વર્ષ દરમ્યાનની આવક મળી કુલ્લ 1241177, વર્ષ 16-17 દરમ્યાન થયેલ ખર્ચ તથા વર્ષ 17-18ના સુધારેલા અંદાજ મુજબ આવક મળી કુલ્લ 2300157, વર્ષ 17-18ના સુધારેલા અંદાજપત્ર મુજબ ખર્ચ, ઉઘડતી-બંધ સિલક તથા 18-19 દરમ્યાન થનાર અંદાજિત આવક મળી કુલ્લ 2405522 તેમજ વર્ષ દરમ્યાન થનાર અંદાજિત ખર્ચ 1913982 તથા 31/3/2019ના અંદાજિત બંધ સિલક 491540 દર્શાવાઇ હતી.  આ અંદાજપત્ર જિલ્લા પંચાયતમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ તેમાં સુધારા-વધારા બાદ આગામી બેઠકમાં રજૂ કરી બહાલી અપાશે તેવું જણાવ્યું હતું.  અધ્યક્ષ સ્થાનેથી કંકુબેને ઠરાવ રજૂ કર્યા હતા, જેમાં પાતાળકૂવા બનાવવાના કાર્યમાં પાણી પુરવઠાને 10 ટકા રકમ સ્વભંડોળમાંથી આપવી, રેહા નાના-મોટા ખાતે સ્મશાન-કબ્રસ્તાન માટે જમીન ફાળવવી વિ.ને બહાલી અપાઇ હતી.  સભામાં ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત ધારાસભ્ય નીમાબેન આચાર્યને તાલુકા પંચાયત તરફથી કંકુબેને આવકારી સન્માન કર્યું હતું.  જો કે, એક તબક્કે રાજેશ આહીરે ઉશ્કેરાટ સાથે સભા ધારાસભ્ય ચલાવતા હોય તેવું લાગી રહ્યાનું કહેતાં વાતાવરણ ગરમ બન્યું હતું, અલબત્ત શરૂઆતથી અંત સુધી શાસકોના શાંત પ્રત્યુત્તરથી સભા શાંતિપૂર્વક પૂર્ણ થઇ હતી.  આ સભામાં ઉપપ્રમુખ હિતેશ ખંડોર, શાસક પક્ષના નેતા સજુભા જાડેજા, ટીડીઓ ભટ્ટીભાઇ, સામાજિક ન્યાય સમિતિના ચેરપર્સન ભાવનાબેન ચાવડા મંચસ્થ રહ્યા હતા. સભ્યો હરીશ ભંડેરી, વિનોદ વરસાણી વિ. સભ્યો, અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન શ્રી રાઠીએ તથા આભારવિધિ કંકુબેને કરી હતી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer