ખલીલ ધનતેજવીના બે કાવ્ય સંગ્રહો `સગપણ'' અને `સાંવરિયો''નું વિમોચન

ખલીલ ધનતેજવીના બે કાવ્ય સંગ્રહો `સગપણ'' અને `સાંવરિયો''નું વિમોચન
ભુજ, તા. 16 : જાણીતા કવિ ખલીલ ધનતેજવીના બે કાવ્યસંગ્રહો `સગપણ' અને `સાંવરિયો'ના વિમોચન સાથે કવિતાનો આજ અને આવતીકાલનો અવાજ કાવ્ય ગોષ્ઠિ ઈમેજ પબ્લિકેશન, શબદ, સૂર, સંવાદ પરિવાર દ્વારા ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટ, સ્વ. કાકુભાઈ ચત્રભુજ મેમોરિયલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ખલીલ ધનતેજવીના ભુજની  દશનામ ગોસ્વામી સમાજવાડી ખાતે યોજાઈ હતી.  સંસ્થાઓ વતી અજિતભાઈ માનસતાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. કવિ ખલીલ ધનતેજવી, હિતેન આનંદપરા, મુકેશ જોશી તેમજ અમેરિકાથી આવેલા ડોકટર દંપતી કવિ નીલેશ રાણા અને ઉષા રાણાનું પુસ્તક - પુષ્પ, શાલ અને સ્મૃતિ ચિન્હ દ્વારા સ્વાગત કરાયું હતું. એ જ રીતે અજિતભાઈ માનસતા, શંકરભાઈ સચદે તેમજ ગોરધન પટેલ `કવિ' તેમજ ભૂતનાથ સંસ્થાના ગૌરીભાઈનું પુસ્તક અને પુષ્પથી અભિવાદન કરાયું હતું. આ પ્રસંગે `થેંકયુ ઈમેજ' વિશેષ સ્મૃતિ ચિહનથી ઈમેજ પબ્લિકેશનનું જ્યારે કવિ શ્રી ખલીલના પરિચયનું માધ્યમ બનનાર ગ્રુપ `પ્રેમ એ ગઝલ' સાથે મળીને આ પ્રસંગે `લવ યુ ખલીલ' વિશેષ સ્મૃતિ ચિહનથી શબ્દ સૂર સંવાદ પરિવારના સભ્યોએ સન્માન કર્યું હતું. પૂજા પરમારે તરન્નુમ શૈલીમાં આ ગઝલ સંગ્રહની એક રચના `આવ્યો મારો પહેલો મિસરો તારા નામે ' રજૂ કર્યું હતું. જેનું સ્વરાંકન ભુજના ગાયક અને સ્વરકાર કમલેશ સોલંકી દ્વારા કરાયું હતું. ઈમેજ વતી કવિ હિતેન આનંદપરાએ ભવિષ્યમાં જ્યારે પણ ભુજ ઈચ્છશે ત્યારે સંસ્થા કાર્યક્રમો આપવા પ્રતિબદ્ધ રહેશે તેવી ખાતરી આપી હતી. સ્થાનિક સંસ્થાઓ વતી શંકરભાઈ સચદે તેમજ ગોરધન પટેલ `કવિ'એ શબદ સૂર સંવાદ સંસ્થાની એક વર્ષની ઉપલબ્ધીઓ જણાવી હતી. સન્માનના પ્રત્યુત્તરમાં ભાવવિભોર કવિ  ધનતેજવીએ ભુજની સાહિત્યપ્રેમી જનતાની કદરદાનીને બિરદાવી હતી.  પ્રારંભે ચૌલા મનોજ સોનીએ ખલીલ ધનતેજવીની રચના રજૂ કરી હતી. સંચાલન મુકેશ જોશીએ સંભાળ્યું હતું. આ કાવ્યગોષ્ઠિમાં આજના ગણમાન્ય કવિઓ સાથે `આવતીકાલનો અવાજ' સમાન ઘરદીવડા જુગલ દરજી `માસ્તર', જિગર ફરાદીવાલા, શબનમ ખોજા, આનંદ મહેતા અને કશ્યપ સોનીએ પોતાની રચનાઓ પ્રસ્તુત કરી કાવ્યરસિકોની ચાહના પ્રાપ્ત કરી હતી. કવિ વંચિત કુકમાવાલા, હિતેન આનંદપરા અને મુકેશ જોશીએ પોતાની રચનાઓથી શ્રોતાઓને ડોલાવ્યા હતા. કવિ શ્રી ખલીલ ધનતેજવી શ્રોતાઓ પર જાણે રીતસર વરસી પડયા અને અસ્ખલિત ગુજરાતી અને ઉર્દુ કાવ્યપાઠ દ્વારા મંત્રમુગ્ધ કર્યા હતા. અંતે શ્રોતાઓની પસંદગીની પણ કેટલીક કાવ્ય રચનાઓ પ્રસ્તુત કરી હતી. આ પ્રસંગે વરિષ્ઠ પત્રકાર કીર્તિભાઈ ખત્રી, સાહિત્યકાર ડો. ધીરેન્દ્ર મહેતા, ચિંતક હરેશ ધોળકિયા, કચ્છ યુનિ.ના પ્રથમ કુલપતિ ડો. કાંતિ ગોર `કારણ', કવિ જયંતી જોશી `શબાબ', કવિ મદનકુમાર અંજારિયા `ખ્વાબ', ઝવેરીલાલ સોનેજી, સુધાબેન મહેતા, જોગેશ્વરી છાયા સહિત કાવ્યરસિકોએ લાભ લીધો હતો. સંચાલન ડો. સ્નેહલ વૈદ્યએ જ્યારે આભારવિધિ અજિત પરમારે કરી હતી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer