કચ્છમાં વન્ય પ્રાણીઓને હણતા શિકારીઓ બેલગામ બન્યા છે

કચ્છમાં વન્ય પ્રાણીઓને હણતા  શિકારીઓ બેલગામ બન્યા છે
માનકૂવા (તા. ભુજ), તા. 16 : કચ્છમાં વન્ય પ્રાણીઓની શિકાર પ્રવૃત્તિમાં ઉછાળો આવ્યો  છે અને શિકારીઓ બેલગામ બન્યા છે. માનકૂવાથી ત્રણ કિ.મી. દૂર ભારાસર બાજુ ધોળા દિવસે બે શિકારીઓને સત્સંગીઓએ પડકારતાં તેઓ ભાગી છૂટયા હતા અને તેઓએ બિછાવેલી અબોલ જીવોને ફસાવવાની જાળ યુવાનોએ કબ્જે કરી હતી. હાલ આહીરપટ્ટી, પાવરપટ્ટી અને બન્નીમાં બેરોકટોક વન્ય પ્રાણીઓના શિકારની પ્રવૃત્તિ પર રોક લગવવા લોડાઇ વિભાગના આહીર સમાજે માંગ કરી છે, તે વચ્ચે ભારાસરમાં પણ આવી અધાર્મિક પ્રવૃત્તિ દેખા દેતાં જાગૃતોના ભવા તંગ થયા છે અને આવા ગુનેગારોને જબ્બે કરવા જાગૃતો માંગ કરી રહ્યા છે. ભારાસરના જાગૃત વ્યક્તિ મનજીભાઇ અને કરશનભાઇએ જણાવ્યું કે, કામ-ધંધાના રજાના દિવસે ગામના યુવાનો નજીકના જંગલ વિસ્તારમાં ફરવા જતા હોય છે. સાથેસાથે આ વિસ્તારમાં કોઇ ગેરપ્રવૃત્તિ થતી હોય તો તેને અટકાવવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે. યોગાનુયોગ મકરસંક્રાંતિના દિવસે સવારના અરસામાં ગામના પાણીના ટાંકા વિસ્તારમાં શિકારીએ દેખા દેતાં તેને પડકારવામાં આવ્યા અને જોતજોતાંમાં પલાયન થઇ ગયા હતા. ત્યારબાદ શિકારી જે વિસ્તારમાં હતા તે વિસ્તારની ઝીણવટભરી તપાસ કરતાં નિર્દોષ જાનવરોને ફસાવવાના લોખંડના ફાંસા, પ્લાસ્ટિકની ઝીણી દોરીની જાળી (રછ), સ્ટિલના બારીક સળિયાના ફાંસલા કબ્જે કરીને અનેક નિર્દોષ પશુ-પક્ષીના જીવ જતા બચાવવાનો પ્રયાસ યુવાનો દ્વારા થયો છે.  આમ, જાગૃત યુવાનોના સંગઠનથી રજાના દિવસોમાં સમયનો વેડફાટ ન કરવા સામે જીવદયાની પ્રવૃત્તિ સાથે ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા અસામાજિક તત્ત્વો પર અંકુશ રહેવા પામતો હોવાથી ગામના મોટેરાઓનો રાજીપો રહ્યો.   

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer