પશ્ચિમ કચ્છમાં `ધંધાવાળા'' ફરી સક્રિય થવા પ્રવૃત્ત

ભુજ, તા. 16 : વિધાનસભાની ચૂંટણી અને તેને લઇને લાગેલી આચારસંહિતા પૂર્ણ થયા બાદના આ સમયમાં પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લામાં બંધ પડેલા દેશી અને અંગ્રેજી દારૂ તથા આંકડા અને જુગાર કલબો જેવા ગેરકાયદે ધંધાઓ પુન: શરૂ કરવા માટેનો સળવળાટ શરૂ થયાના અહેવાલ મળી રહ્યા છે. આ ક્ષેત્રના જૂના અને જાણીતા માથાઓ સહિતના કેટલાક જણ આ માટે મેદાનમાં આવીને `ટેન્ડર' લેવા માટે પ્રવૃત બન્યા હોવાના  ચિત્રો  જોવા  મળી રહ્યા છે.  પશ્ચિમ કચ્છના માજી જિલ્લા પોલીસ વડા મકરંદ ચૌહાણ દ્વારા તેમના કાર્યકાળ દરમ્યાન કાયદાનો કડક રૂખ અવિરત રાખીને સેકશનથી ચાલતી આવી ગેરકાયદે બદીઓને નેસ્તનાબૂદ કરી હતી. તેમની બદલી થયા બાદ વિધાનસભાની ચૂંટણી આવી જતાં ધંધા માટે `મંજૂરી'ની રાહ જોઇને બેઠેલા માથાઓ નવરાધૂપ રહ્યા હતા. પણ હવે આ માથાઓ આળસ મરડીને જાણે પુન: સક્રિય થઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. બધું સાંગોપાંગ પાર પડી જાય તો ભુજ વિસ્તાર સહિત આ પોલીસ જિલ્લામાં અગાઉની માફક  ધંધાઓનો ધમધમાટ શરૂ થઇ જાય તેવું લાગી રહ્યું છે.  માહિતીગાર સૂત્રો પાસેથી મળી રહેલી વિગતો અનુસાર જિલ્લા મથક ભુજમાં આંકડાનું ટેન્ડર હસ્તગત કરવાના પ્રયત્નો અત્યારે પૂરજોશમાં થઇ રહેલા જોવા મળી રહ્યા છે. આ દુનિયાના જૂના માથા તેમના લાગતાવળગતા મારફતે આ માટે જોર લગાવી રહ્યા છે. આ વચ્ચે ભુજમાં મોબાઇલ ફોન ઉપર અને ગાપટામાં આંકડાનું છુટક બાકિંગ વિવિધ વિસ્તારમાં લેવાનું શરૂ થઇ ચૂકયું છે. આંકડાનું ટેન્ડર પાસ થયે અગાઉની માફક વિવિધ વિસ્તારોમાં કેબિનો ગોઠવાઇ જાય તેમ છે.  બીજીબાજુ દેશી દારૂનો વ્યવસાય કરનારા પણ તેમની પ્રવૃત્તિ તેજ બનાવવા માટે મંડી પડયા છે. અત્યાર સુધી ચોરીછુપીથી કોથળીઓ વેચનારા જાણે હવે થોડા વધુ બિન્ધાસ્ત બન્યા હોય તેમ જૂનાનવા અનેક સ્થળે કોથળીઓનું વેચાણ થઇ રહ્યુંં છે. તો ભુજ શહેરના અને આસપાસના ગામડાઓના સીમાડામાં ધુમાડા ઓકતી દારૂની ભઠ્ઠીઓ પણ જોવા મળી રહી છે. આવા સ્થળોએ બનતો દેશીમાલ ભુજ ઉપરાંત અન્ય સ્થળોએ પણ સપ્લાય થઇ રહ્યો છે. આ વચ્ચે હરિયાણા અને રાજસ્થાન બનાવટનો તથા ઇથેનોલ અને મિથેનોલ ફેઇમ અંગ્રેજી દારૂના ઠેકા હસ્તગત કરવા માટેની દોડધામ કરતા અનેક પોઇન્ટવાંચ્છુઓ પણ અત્યારે સંબંધિતો સમક્ષ આંટાફેરા કરતા દેખાઇ રહ્યા છે. અમુક જણને ગાપટામાં બહારની એજન્સી આવીને દરોડો પાડી જાય તો સ્થાનિકવાળાને તકલીફ ન પડે તેટલો માલ એકસાથે રાખીને વેચાણ કરવાની છુટ અપાઇ હોવાના આક્ષેપ પણ થઇ રહ્યા છે.  લાંબા સમય સુધી મંદી અને બેકારી જેવા પરિબળોનો સામનો કરી ચૂકેલા ધંધાવાળા હવે તક મળે તો વહેતી ગંગામાં હાથ ધોઇ લેવા માટે ભુજ ઉપરાંત મુંદરા, માંડવી, નખત્રાણા અને અબડાસા સહિતના વિસ્તારોમાં પ્રવૃતિશીલ બનીને જેક લગાડવામાં પડી ગયા હોવાના સમાચાર પણ મળી રહ્યા છે એવું કહેતાં માહિતગારો ઉમેરે છે કે કોની કારી ફાવી જાય છે તે હવે જોવાનું રહ્યું.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer