ભુજના અરિહંતનગરનો દસ્તાવેજ બિનઅવેજી ઠરાવી કોર્ટે રદ કર્યો

ભુજ, તા. 16: શહેરના અરિહંતનગરના પ્લોટનો થયેલો દસ્તાવેજ બિનઅવેજી હોવાનું ઠરાવી ભુજની અદાલતે આ દસ્તાવેજ રદ ફરમાવતો હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ માંડવીના દક્ષાબેન ખેંગારજી ઠક્કરે ભુજ મધ્યે ભવિષ્યમાં સ્થાયી થવા માટે  વર્ષ 1996ના ભુજ મધ્યે આવેલા અરિહંતનગર, પ્લોટ નં 14 પૂરતો અવેજ આપી ખરીદ કરેલો. આ પ્લોટની પાસે અહેલાવત બિજેન્દરસિંગ દયારામનું મકાન આવેલું હોઇ જેથી વાદગ્રસ્ત પ્લોટ ખરીદ કરવા દક્ષાબેન ઠક્કરને જણાવ્યું ત્યારે વાદીએ તે પ્લોટ વેચાણ આપવા તૈયારી બતાવી નહીં, ત્યારે વાદીને પ્રતિવાદીએ ધાકધમકી કરી વાદી માંડવી મધ્યે રહેતા હોઇ તેમજ વાદગ્રસ્ત પ્લોટ ભુજ મધ્યે હોવાથી તેમજ વાદી કે જે વિધવા તરીકેનું જીવન ગુજારતા હોવાથી તેમને માનસિક ત્રાસ આપી દબાણમાં લાવી વાદીની સંમતિ- ઇચ્છા વિરુદ્ધ વાદગ્રસ્ત પ્લોટની વેચાણ કિંમત ચૂકવ્યા વગર પ્રતિવાદીએ પોતાના નામે તા. 23/5/08 ભુજની સબ રજિસ્ટ્રારની કચેરીએ દસ્તાવેજ નોંધણી નં. 7424થી વેચાણ દસ્તાવેજ બળજબરીપૂર્વક બનાવી નાખ્યો તે સંબંધના અન્ય દસ્તાવેજો જેવા કે ટાઈટલ ક્લીયર સર્ટિ., સોગંદનામા વિગેરે પોતાની વગથી બળજબરીપૂર્વક બનાવી નાખી સાથોસાથ પ્રતિવાદીએ વાદીને પાછળથી કિંમત ચૂકવી આપવા લેખિતમાં બાંહેધરી આપેલી, પરંતુ પ્રતિવાદીએ વાદીને અવેજની રકમ ચૂકવી નહીં. આથી પ્રતિવાદી વિરુદ્ધ ભુજની અદાલતમાં દીવાની દાવો દાખલ કર્યો, જે દાવો ચાલી જતાં કોર્ટ દ્વારા વાદીનો દાવો મંજૂર કરી પ્રતિવાદીએ વાદીને અવેજની રકમ ચૂકવી નથી તેવું માની તા. 23/5/08ના પ્રતિવાદીએ કોઇપણ જાતના અવેજ ચૂકવ્યા વગર વેચાણ દસ્તાવેજ બનાવ્યો હોઇ તે દસ્તાવેજ રદ ફરમાવતો ભુજની અદાલતે હુકમ ફરમાવ્યો છે. વાદીના એડવોકેટ તરીકે રાજેન્દ્ર બી. સેજપાલે હાજર રહી દલીલો કરી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer