વૈશ્વિક ઘટડાના લીધે કચ્છમાં સરહદ ડેરીએ દૂધના ભાવ ઘટાડયા

અંજાર, તા. 16 : વૈશ્વિક દૂધના ઉત્પાદનમાં ખૂબ જ ઉછાળો આવવાના કારણે દેશના તમામ પ્લાન્ટની સાથે સાથે અમૂલ ફેડરેશનના પ્લાન્ટના દૂધ કલેકશન, ઠંડું કરવું, વિતરણ કરવું, તેમજ પ્રોસેસિંગ અને પેકેજિંગ માટેની ક્ષમતા પૂરી થઇ જવાના કારણે દૂધના ભાવોમાં ઉપરથી ઘટાડાના કારણે સ્થાનિકે દૂધના ભાવમાં ઘટાડો કરવાની ફરજ પડી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. સ્થાનિકે કચ્છ જિલ્લાની વાત કરવામાં આવે તો સરહદ ડેરી દ્વારા ગત વર્ષે સમાન ગાળાની સરખામણીએ ચાલુ વર્ષે દૂધના કલેકશનમાં 40 ટકાનો વધારો થઇ અને પાંચ લાખ લિટર થવા પામ્યું છે તેમજ સ્થાનિકે અન્ય ખાનગી ડેરીઓ દ્વારા દૂધના ભાવોમાં તેજીથી ઘટાડાના કારણે સરહદ ડેરીના દૂધના કલેકશનમાં ખૂબ જ ઝડપી વધારો થયો છે  જ્યારે અન્ય ગુજરાતના કોઇ પ્લાન્ટમાં દૂધ પ્રોસેસ કરવાની જગ્યા નથી જેથી પાવડરનો જથ્થો વધતો જતો હોઇ પાવડર બનાવવાની લાગત અને સંગ્રહના ખર્ચ તેમજ પાવડરના ભાવો પણ 320 રૂપિયાથી ઘટી અને 190 રૂપિયા થઇ જવાના કારણે અમૂલ ફેડરેશન દ્વારા તા. 15-1થી પ્રતિ લિટર 1.5 રૂપિયા જેટલો દૂધના ભાવ ઘટાડવાની ફરજ પડી છે જેના કારણે સરહદ ડેરીને પ્રતિ દિન 7થી 8 લાખ રૂપિયા નુકસાન છે જેના કારણે સરહદ ડેરીના પશુપાલક અને સભાસદોના હિતમાં ધ્યાને લઇ દૂધના ભાવોમાં પ્રતિ લિટર 1.25 રૂપિયા (20 રૂપિયા પ્રતિ કે.જી. ફેટ)નો ઘટાડો કરવાની ફરજ પડી છે. છતાં કચ્છ જિલ્લાની અન્ય પ્રાઇવેટ ડેરીઓ કરતાં સરહદ ડેરીના ભાવો 10 રૂપિયા પ્રતિ કે.જી. ફેટ વધારે છે તેવું ડેરીના ચેરમેન વલમજીભાઇ હુંબલ દ્વારા જણાવાયું છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer