ભુજમાં હવે ઘર ઘર સ્પીડ બ્રેકર યોજના !

ભુજ, તા. 16 : શહેરમાં એક તરફ ઠેર ઠેર માર્ગનો કાયાકલ્પ થઇ રહ્યો છે. બીજી તરફ દર 50થી 100 મીટરે રહેણાક વિસ્તારોમાં બની રહેલા સ્પીડ બ્રેકર વાહનધારકો માટે ખર્ચાળ બની રહ્યા છે. જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર શહેરમાં આંતરિક ગલીમાં, રિંગ રોડ હોય કે હાઇવે ટચ રસ્તા હોય - જ્યાં જ્યાં માર્ગનું નવીનીકરણ થઇ રહ્યું છે ત્યાં સ્પીડ બ્રેકરનું દૂષણ પણ વધતું દેખાયું છે. મજાની વાત એ છે કે રસ્તો બનાવનાર કોઇ પણ તંત્ર હોય પછી સુધરાઇ હોય કે જિલ્લા પંચાયત સ્પીડ બ્રેકર બનાવવા માટે અત્યંત `દયાળુ' છે. બે ચાર ઘર વચ્ચે જ્યાં મૌખિક માગણી થાય તે સાથે જ સ્પીડ બ્રેકર બનાવી દેવાય છે. પરિણામે ટુ વ્હીલર કે ફોર વ્હીલરને ત્યાંથી પસાર થવું કઠિન બની રહ્યું છે. આ નાગરિકોએ કહ્યું હતું કે, મંગલમ ચાર રસ્તે ૐ સંસ્કારધામ નજીક તાજેતરમાં નવું સ્પીડ બ્રેકર ટેકરા જેવું બનાવી દેવાયું છે. અત્યારે એસ. ટી. બસોની ત્યાંથી અવરજવર વધી છે ત્યારે પ્રવાસીઓને પિચોટી પડી જાય તેટલી બસો ઉછળે છે, તો પછી નાના વાહનો સમતુલા ગુમાવે તેમાં કશી નવાઇ નથી. કોલેજ રોડને જોડતા ગણેશનગર વિસ્તારમાં રાતોરાત બે-બે ઘર વચ્ચે સિમેન્ટના સ્પીડ બ્રેકર કયા તંત્રે બનાવી દીધા તે સવાલ છે, ખરેખર રિંગ રોડ  પર સ્પીડ બ્રેકર બનાવતાં પૂર્વે સક્ષમ તંત્રની મંજૂરી લેવી જરૂરી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer