નલિયામાં ભારતમાતાની પ્રતિમા નીચેની ગંદકી ફેલાવતી મુતરડી અન્યત્ર ખસેડવા માંગ

નલિયા, તા. 16 : ગામના પ્રવેશદ્વાર ઉપર ભારતમાતાની પ્રતિમા નીચે આવેલી મુતરડી અવાર-નવાર ગંદકીના લીધે છલકાઈ જાય છે અને તેનો ગંદવાડ માર્ગ પર આવી જતાં રાહદારીઓને નાકે રૂમાલ બાંધી જવું પડે છે. ખરેખર આ મુતરડી ભારતમાતાની પ્રતિમા નીચે હોય તે જ શરમજનક બાબત છે, આથી આ મુતરડી અન્યત્ર ખસેડવા જાગૃત ગ્રામજનોએ માંગ કરી છે. ગ્રામ પંચાયતને પત્ર પાઠવી જાગૃતો પ્રવીણ એસ. ભારાણી, નોતિયાર ઓસમાણ ભચુ, રમેશભાઈ માતંગ તથા અન્ય ગ્રામજનોએ જણાવ્યું છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વચ્છતા અભિયાન માટે સતત પ્રયત્નશીલ છે અને ગ્રા.પં. દ્વારા દરેક વેપારીઓને ડસ્ટબિન આપવામાં આવી છે, ત્યારે ગામના પ્રવેશદ્વાર સમક્ષ જ ગંદકી થાય તે યોગ્ય નથી. જ્યારથી પંચાયતમાં કોન્ટ્રેક્ટ બેઝથી સફાઈ કામ આપવામાં આવ્યું છે ત્યારથી સફાઈ બરાબર ન થતી હોવાનો આક્ષેપ પણ પત્રમાં કરાયો છે. ભારતમાતાની આબરૂના લીરેલીરા ઉડાડતી આ મુતરડી અન્યત્ર ખસેડવા પત્રમાં માંગ કરાઈ છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer