બાળકોને શાળાએ નિયમિત મૂકવા જિલ્લા પ્રા. શિક્ષણાધિકારીનો અનુરોધ

ભુજ, તા. 16 : તમામ બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો અધિકારી-હક પ્રાપ્ત થયો છે પરંતુ કચ્છની વિવિધ પ્રા. શાળાની જિલ્લા શિણાધિકારીની રૂબરૂ મુલાકાત દરમ્યાન તેમજ અધિકારીઓ તરફથી પ્રાપ્ત વિગતો મુજબ અમુક શાળાઓમાં વિદ્યાર્થીઓ નિયમિત હાજર રહેતા નથી. આથી બાળકોને નિયમિત શાળાએ મોકલવાનો અનુરોધ વાલીઓને જિલ્લા શિક્ષણાધિકારીએ કર્યો છે. ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. પી. કે. સુવર્ણકારે જણાવ્યું હતું કે કેટલાક વિદ્યાર્થીઓ સતત ગેરહાજર રહેતા હોવાનું પણ ધ્યાને આવ્યું છે અને આવા વિદ્યાર્થીઓના વાલી સંપર્કમાં બાળકોની અનિયમિત હાજરી કે સતત ગેરહાજરી માટે વિવિધ કારણો રજૂ કરવામાં આવે છે. જે જોતાં અમુક સામાન્ય કારણોસર વિદ્યાર્થીઓ અનિયમિત અને ગેરહાજર રહેતા હોવાને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર તેની માઠી અસર જોવા મળે છે. ઉપરાંત ડીબીટી અંતર્ગત વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે બેંક એકાઉન્ટ, આધારકાર્ડ વગેરે અનિવાર્ય હોય સતત ગેરહાજરીને કારણે વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ, આધારકાર્ડની કામગીરી ઝડપથી કરી શકાય અને વિદ્યાર્થીઓ આવા લાભોથી વંચિત ન રહે તે જોવાની આપણી સૌની સહિયારી જવાબદારી છે. આર.ટી.ઇ. એ.સી.ટી.-2009ની કલમ-16 અન્વયે બાળકોની સતત હાજરી સુનિશ્ચિત કરવાના હેતુસર જ એસ.એમ.સી. તમામ શાળા કક્ષાએ સક્રિય કરવામાં આવ્યા છે. આમ છતાં હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓ અનિયમિત અને સતત ગેરહાજર રહેતા હોય તે આપણા સૌ માટે ચિંતાનો વિષય છે. જેથી આપણે સૌ સાથે મળી આપણા બાળકોની નિયમિત હાજરી અને ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ માટે જરૂરી સહયોગ કરીએ તેવું ઇન્ચાર્જ જિલ્લા પ્રા. શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer