રે ક્રૂર વિધાતા ! એક સાથે 9 નવલોહિયાની અર્થી

રે ક્રૂર વિધાતા ! એક સાથે 9 નવલોહિયાની અર્થી
ભુજ/જેતપુર/ધોરાજી, તા. 15 : કચ્છના લોરિયા ગામે મકરસંક્રાંતિના સપરમા દિવસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ખાનગી બસ અને ઇકો કાર વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં જેતપુરના મોટા ગુંદાળા ગામના 9 નવલોહિયા યુવાનનાં કરુણ મૃત્યુ નીપજ્યાં હતાં. મૃતક તમામ યુવાન અપરિણીત હતા. છ યુવાન માવતરના એકના એક લાડકવાયા પુત્ર હતા. આજે એક સાથે નવેય યુવાનની અંતિમયાત્રા નીકળી હતી, ત્યારે મોટા ગુંદાળા ગામ હીબકે ચડયું હતું. આ પ્રાણઘાતક અકસ્માતમાં રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામના 22 વર્ષના હાર્દિક રજનીકાંત બાંભરોલિયા, 21 વર્ષના પ્રશાંત રમણીકભાઇ કાછડિયા, 20 વર્ષના પીયૂષ અશોકભાઇ ખોખર, 21 વર્ષના જયદીપ વિઠ્ઠલભાઇ બુટાણી, 20 વર્ષના રાજ વલ્લભભાઇ સેંજલિયા, 22 વર્ષના મિલન કાનજીભાઇ કોટડિયા, 20 વર્ષના ગૌરવ નટુભાઇ કોટડિયા, 21 વર્ષના વિજય ધીરજભાઇ ડોબરિયા અને 20 વર્ષના રવિ મનસુખભાઇ અભંગીનાં કરુણ મૃત્યુ નીપજ્યાં હતાં, જ્યારે ખાનગી બસના ડ્રાઇવર, કંડક્ટર સહિત છને ઇજા થઇ હતી. જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામના યુવાનોએ મકરસંક્રાંતિની રજામાં ભુજ ફરવા જવાનું નક્કી કર્યું હતું. હાર્દિક રજનીકાંત બાંભરોલિયા તેની ઇકો કાર લઇને મોટા ગુંદાળા ગામેથી સાત મિત્રોને કારમાં બેસાડીને રવાનો થયો હતો. એક મિત્ર રાજ સેંજલિયાને મોરબીથી સાથે લીધો હતો. ભુજ પહોંચીને  ભુજ એન્જિનીયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા ગૌરવ નટુભાઇ કોટડિયાને ત્યાં જઇને તેના રૂમમાં થેલા સહિતનો સામાન રાખીને તેને સાથે લઇને નવેય મિત્રો    ઇકો કારમાં ભુજ અને તેની  આસપાસના વિસ્તારમાં ફરવા ગયા હતા. રવિવારે કાળા ડુંગર વિસ્તારમાં ફરીને પરત ભુજ તરફ આવી રહ્યા હતા ત્યારે લોરિયા ગામના ચાંદ ફાર્મ નજીક ભુજથી ખાવડા જતી ખાનગી મિની બસ  નં. જી.જે. 12 એ.ઝેડ. 0413 સાથે ઇકો કાર નં. જી.જે. 03 ઇ.સી. 3681 ધડાકાભેર અથડાઇ હતી અને એ સાથે વાતાવરણ મરણચીસોથી ગાજી ઊઠયું હતું. ખાનગી બસ અને કાર વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે કારનો બૂકડો બોલી ગયો હતો અને પાંચ યુવાનનાં ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યાં હતાં, જ્યારે કારમાં મુસાફરી કરી રહેલા ચાર યુવાન અને બસના ડ્રાઇવર-કંડક્ટર સહિતની દસ વ્યક્તિને સારવાર માટે બે 108 અને યુટિલિટી જીપ દ્વારા હોસ્પિટલમાં ખસેડવા પ્રબંધ કરાયો હતો. રસ્તામાં ત્રણ યુવાને અંતિમ શ્વાસ લીધા હતા, જ્યારે એક યુવાને સારવાર દરમ્યાન દમ તોડયો હતો. આ રીતે અકસ્માતનો મૃત્યુ આંક 9 પર પહોંચ્યો હતો. આ બનાવની જાણ થતાં એસપી ભાડરા, ડીવાય.એસ.પી. જયસ્વાલ સહિતનો પોલીસ કાફલો બનાવસ્થળે અને હોસ્પિટલે પહોંચી ગયો હતો. અકસ્માતના કારણે બૂકડો બોલી ગયેલી કારમાં ફસાયેલા લોકોને  જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસની તપાસમાં આગળ જતા ટ્રેકટરને ઓવરટેક કરતી વખતે સામેથી પૂરઝડપે ધસી આવેલી ખાનગી મિની બસે કારને ઠોકરે ચડાવી હોવાનું ખૂલ્યું હતું. જો કે, એક વાત એવી પણ બહાર આવી હતી કે ચાલુ કારે સેલ્ફી લેવા જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બીજી તરફ, કચ્છના લોરિયા ગામ પાસેના અકસ્માતમાં જેતપુરના મોટા ગુંદાળા ગામના 9 યુવાનનાં મૃત્યુ થયાની જાણ થતાં મોટા ગુંદાળા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને એ રાતના ગામના મોટાભાગના ઘરમાં ચૂલા ઓલવાઇ ગયા હતા. આજે સોમવારે નવેય યુવાનના મૃતદેહ મોટા ગુંદાળા લાવવામાં આવ્યા હતાં. આ યુવાનની અર્થીઓ ઊઠતાં ગામ આખું હીબકે ચડયું હતું. કોણ કોને આશ્વાસન આપે તેવાં કરુણ દૃશ્યો સર્જાયાં હતાં. મકરસંક્રાંતિનું પર્વ માતમમાં ફેરવાયું હતું. આ ગોઝારા અકસ્માતની ભયંકર સ્થિતિ વર્ણવતાં લોકોએ જણાવ્યું હતું કે, આ અકસ્માતથી માર્ગ રક્તરંજિત બન્યો હતો અને શરીરના અનેક ભાગ ક્ષતવિક્ષત થઇ ગયા હતા. ભુજ મુસ્લિમ સમાજના યુવાનો ઘટનાસ્થળથી હોસ્પિટલ ખસેડવામાં મદદરૂપ થઇ હોસ્પિટલમાં પણ ખડેપગે રહ્યા હતા. બીજી તરફ, આ સમાચાર મૃતકોના ગામ ગુંદાળા પહોંચતાં ત્યાંથી પણ કચ્છમાં રહેતા પરિવારજનોને હોસ્પિટલ ભેગા દોડતા કર્યા હતા, જ્યારે ગેમ્સના મેડિકલ ડાયરેક્ટર ડો. જ્ઞાનેશ્વર રાવ, અન્ય તબીબો અને તેઓની ટીમ સારવાર-પોસ્ટમોર્ટમ અર્થે કામે લાગી હતી. આ અકસ્માતમાં બસના ડ્રાઇવર મોટા દિનારાના અયુબ રહીમના સમા, કંડક્ટર કુરનના હરમજી તેલાજી સોઢા અને મુસાફરો મામદ ઇબ્રાહીમ સમેજા (ડુમાડો), શરીફ સુમાર પઠાણ (ખાવડા), મામદ સાયા નોડે (અકરી) તથા ઓસમાણ રહીમના સમા (મોટા દિનારા) ઘાયલ થતાં તેઓને હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘાયલોને હળવી ઇજાઓ થઇ હોવાનું જાણવા મળ્યું છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer