ત્રિરંગે લપેટાયેલા જવાનનો દેહ પંચમહાભૂતમાં વિલીન

ત્રિરંગે લપેટાયેલા જવાનનો દેહ પંચમહાભૂતમાં વિલીન
કોડાય (તા. માંડવી), તા. 15 : ભારત માતાનું રખોપું કરતાં પઠાણકોટની સરહદ પર શહીદ થઇ ગયેલા તલવાણા ગામના જવાન હરદીપસિંહ સહદેવસિંહ ઝાલાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. સંક્રાંતિની સાંજે શહીદના પાર્થિવ દેહને તલવાણા લઇ અવાયો ત્યારે નાના એવા ગામમાં આઠ હજારથી વધુ નાગરિકો પોતાના વીર શહીદને અંતિમ વિદાય આપવા હાથમાં ત્રિરંગો લઇ જોડાયા હતા. સમગ્ર ગામમાં ઠેકઠેકાણે ત્રિરંગા સાથે હરદીપસિંહ (શક્તિસિંહ) અમર રહોના નારા લાગ્યા હતા. તલવાણા ગામ તેમજ કોડાયપુલે બંધ પાળી હિબકે ચડયા હતા. શહીદનો પાર્થિવ દેહ ગામમાં પહોંચતાં પ્રથમ ધાર્મિક ક્રિયા કર્યા બાદ પાર્થિવ દેહ શક્તિનગર ચોક ખાતે દર્શનાર્થે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જ્યાં ઊમટેલા કચ્છભરમાંથી દેશભક્તો અને ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ અઢારે આલમે શહીદ હરદીપસિંહને પુષ્પાંજલિ અર્પિત કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. કચ્છ અને તલવાણા માટેની આ ઐતિહાસિક ક્ષણે 25થી વધુ માજી સૈનિકો પણ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પિત કરી હતી. શક્તિ ચોક ખાતે પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. શહીદ અમર રહો.. હરદીપસિંહ જય જયકાર સાથે નીકળેલી સ્મશાનયાત્રામાં અશ્રુભીની આંખો સાથે લોકો ઊમટયા હતા. તલવાણા સ્મશાન ખાતે શહીદને આર્મીના અધિકારી કેપ્ટન યશવંત (ગોરખા રાઇફલ ભુજ), કમાન્ડન્ટ સંજય શર્મા, શ્યામસિંઘે પુષ્પાંજલિ આપી શ્રદ્ધાંજલિ આપી ત્યારબાદ સૈન્યના જવાનો દ્વારા રાઇફલ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. શહીદને પુષ્પાંજલિ અર્પિત કરી રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઇ છેડા, રમેશભાઇ મહેશ્વરી, કલેકટર રેમ્યા મોહન, પશ્ચિમ કચ્છ પોલીસ અધીક્ષક શ્રી ભરાડા, ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ, કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરી, લશ્કરના નિવૃત્ત કર્નલ એમ.એસ. જોહર, ગંગાબેન સેંઘાણી (પ્રમુખ તા.પં.), પ્રવીણ વેલાણી (ચેરમેન એ.પી.એમ.સી.), સુજાતાબેન ભાયાણી (નગર પ્રમુખ), રણજિતસિંહ જાડેજા (પ્રમુખ મુંદરા તા.પં.) સહિત મોટી સંખ્યામાં નાગરિકોએ શ્રદ્ધાસુમન અર્પણ કરી શહીદ યુવાનને અંતિમ સલામી આપી હતી. રાજ્ય સરકાર વતી અંજલિ આપવા પહોંચેલા રાજ્યમંત્રી વાસણભાઇ આહીરે હરદીપસિંહ સહદેવસિંહ ઝાલા માટે મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યાનું જણાવી શ્રદ્ધાંજલિ આપી હતી. સદ્ગતના પરિવારને સાંત્વના પાઠવી હતી. ભારતીય સેનામાં વધુ યુવાનો જોડાશે તલવાણાના માજી સૈનિક રૂપસિંહ જાડેજા અને લતીફ ભટ્ટી (મોટી ખાખર)એ શહીદની શહાદતને નમન કરી ભારતીય સેનામાં વધુથી વધુ યુવાનો જોડાય અને માભોમની રક્ષા કાજે આગળ આવે તેવો ભાવ વ્યક્ત કરી ભારતીય સેના સમદૃષ્ટિ, સમભાવ અને દેશદાઝની ભાવનાને વધુથી વધુ પ્રેરિત કરે છે, તેવું ઉમેર્યું હતું. તલવાણા ગ્રામ પંચાયત ગામમાં શહીદની સ્મૃતિ અંકિત કરશે તેવું સરપંચ આનંદબા હરિસિંહ જાડેજાએ જણાવી ગામમાં સ્મૃતિવન, માર્ગને શહીદનાં નામ સાથે જોડવામાં આવશે તેવું જણાવ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer