પ્રવાસી પક્ષી કુંજનો વાગડમાં પડાવ

પ્રવાસી પક્ષી  કુંજનો વાગડમાં પડાવ
ચોબારી (તા. ભચાઉ), તા. 10 : ભચાઉ તાલુકાના આ ગામે સાયબેરિયા અને બીજા દેશોમાંથી શિયાળાની ઠંડી ઋતુ ગાળવા આવતા કુંજ પક્ષી માનવ વસ્તી સાથે પરિવારની જેમ ભળી ગયા છે. લોકો વહેલી સવારે જૂના ગામમાં ચણ આપે છે જેને ખાવા માટે આ પરદેશી પક્ષીઓનાં ટોળેટોળાં અહીં આવીને નિર્ભય રીતે ચણે છે. ભૂકંપ સમયે જ્યારે મોટી તીવ્રતાવાળા આંચકા આવતા હતા ત્યારે આ પક્ષી પણ ગભરાઇ?જતા અને ભૂકંપના ડરામણા અવાજથી ડરીને ખુલ્લામાં રહેતી માનવ વસ્તી પાસે આવી જતાં ત્યારથી માંડીને અત્યાર સુધી હવે માણસોથી ડરતા નથી. માનવવસ્તી અને મકાનો-મંદિરોની નિજતા વચ્ચેના મેદાનમાં ચણ?ખાવા અને ગામના તળાવનાં પાણી પીવા દિવસભર સમય વિતાવે?છે અને રાતવાસા માટે નજીકના રણમાં ચાલ્યા જાય છે. વરસોનો આ સિલસિલો ચાલુ રહ્યો છે. આ પરદેશી પંખી હજારોની સંખ્યામાં અહીં આવે છે. સપ્ટેમ્બર માસથી આ પક્ષીઓ અહીં આવી જાય છે જે ચોમાસુ પાક મગ, બાજરો, જુવાર, મઠ વગેરે ધાન્ય પાકો અને શિયાળુ રવી પાક જીરૂં, ધાણા, ઘઉં વગેરેનો આહાર કરીને માર્ચ માસના અંત સુધી પરત ફરે છે. તેમના રોકાણ દરમ્યાન ખાસ કરીને ઉત્તરાયણ સમયે કે અન્ય કોઇ રીતે ઘાયલ બને કે બીમાર થાય તો અહીંના પ્રકૃતિપ્રેમીઓ તેની કાળજી લે છે અને પરદેશી પંખીનો સદીઓ પુરાણો નાતો જાળવી રાખ્યો છે. લોકસાહિત્યમાં કુંજ પક્ષી વિશે ઘણા બધા લોકગીતો ગવાયાં છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer