કોહલીની દોઢી સદી, છતાં આફ્રિકાએ સ્થિતિ સુધારી

કોહલીની દોઢી સદી, છતાં આફ્રિકાએ સ્થિતિ સુધારી
સેન્ચૂરિયન, તા. 1પ : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ રોમાંચક બની છે. જો કે એબી ડિ'વિલિયર્સની અણનમ અર્ધસદીથી આફ્રિકાએ વાપસી કરીને તેની સ્થિતિ સુધારી લીધી છે. આજે રમતના ત્રીજા દિવસે જ્યારે ઝાંખા પ્રકાશને લીધે રમત પૂરી જાહેર કરવામાં આવી ત્યારે આફ્રિકાએ તેના બીજા દાવમાં 2 વિકેટ ગુમાવીને 90 રન કરી લીધા હતા. આથી તે ભારતથી 118 રને આગળ થયું છે અને 8 વિકેટ હાથમાં છે. આ પહેલાં આજે વિરાટ કોહલીએ કેપ્ટન ઇનિંગ રમી હતી. કોહલીએ તેની 21મી ટેસ્ટ સદી ફટકારીને 1પ3 રન કર્યાં હતા. આથી ભારતના પહેલા દાવમાં 307 રન બન્યા હતા. જેથી આફ્રિકાને 28 રનની મામૂલી સરસાઇ મળી હતી. આ પછી આફ્રિકાના બીજા દાવના પ્રારંભે જ જસપ્રિત બુમરાહ ત્રાટકયો હતો. તેણે પહેલા માર્કરમ (1)ને અને પછી અમલા (1)ને એલબીડબ્લ્યૂ આઉટ કરીને ભારતની સ્થિતિ સુધારી દીધી હતી. 3 રનમાં બે વિકેટ ગુમાવ્યા બાદ ઓપનર ડીન એલ્ગર અને અનુભવી એબી ડિ'વિલિયર્સે આફ્રિકાની બાજી સુધારીને ત્રીજી વિકેટની અતૂટ ભાગીદારીમાં 87 રનનો ઉમેરો કર્યો હતો. ડિ'વિલિયર્સ પ0 અને એલ્ગર 36 રને અણનમ રહ્યા હતા. એકવાર વરસાદને લીધે રમત અટકી હતી. આ પછી પાંચ ઓવર બાદ ઝાંખા પ્રકાશને લીધે રમત બંધ રહી હતી. જેથી ભારતીય સુકાની કોહલી નારાજ થયો હતો. આવતીકાલની મેચનો ચોથો દિવસ બન્ને ટીમ માટે મહત્ત્વનો બની રહેશે. ભારત આફ્રિકાને જલ્દીથી ઓલઆઉટ કરવાનો પ્રયાસ કરશે તો આફ્રિકા 300 ઉપરની સરસાઇ માટે પ્રયાસ કરશે. આ પહેલાં આજે બીજી ટેસ્ટના ત્રીજા દિવસે લંચ બાદ ભારતનો પહેલો દાવ 92.1 ઓવરના અંતે 307 રને સમાપ્ત થયો હતો. આથી દક્ષિણ આફ્રિકાને 28 રનની મામૂલી સરસાઇ મળી હતી. વિરાટ કોહલીએ કેપ્ટન ઇનિંગ રમીને તેની ટેસ્ટ કારકિર્દીની 21મી સદી ફટકારી હતી. ભારતની આખરી વિકેટના રૂપમાં આઉટ થનાર કોહલીએ 217 દડામાં 1પ શાનદાર ચોગ્ગાથી 1પ3 રન કર્યા હતા. જો કે સામે છેડે સુકાની કોહલીને અન્ય કોઇ ભારતીય બેટધરનો મજબૂત સાથ ન મળતાં ભારત આફ્રિકા સામે સરસાઇ મેળવી શક્યું ન હતું. ઓપનર મુરલી વિજયે 48 રન અને અશ્વિને 38 રનનું યોગદાન આપ્યું હતું. ટેસ્ટ વિશેષજ્ઞ બેટધર ચેતેશ્વર પૂજારા પહેલા દડે જ રન આઉટ થયો હતો. હાર્દિક પંડયાએ પણ અંગત 19 રને મૂર્ખાઇભરી રીતે રનઆઉટ થઇને વિકેટ ગુમાવી હતી. ધવનના સ્થાને રમનાર કેએલ રાહુલ (10) નિષ્ફળ રહ્યો હતો. તો રહાણેના સ્થાને રમી રહેલા રોહિત શર્માને ફરી નિષ્ફળતા હાથ લાગી હતી. તે 10 રને પાછો ફર્યો હતો. સામે છેડેથી સતત ખરતી વિકેટો વચ્ચે સુકાની વિરાટ કોહલીએ લડાયક બેટિંગ કરીને દોઢી સદી ફટકારીને ભારતને પહેલા દાવમાં 307 રન સુધી પહોંચાડયું હતું. આફ્રિકા તરફથી મોર્કેલે 4 વિકેટ લીધી હતી. આ પહેલાં ગઇકાલે આફ્રિકાનો પહેલો દાવ 33પ રને સમાપ્ત થયો હતો.  સ્કોરબોર્ડ :   આફ્રિકા પ્રથમ દાવ : 33પ  ભારત પહેલો દાવ : વિજય કો. ડિ'કોક બો. મહારાજ 46, રાહુલ કો. એન્ડ બો. મોર્કેલ 10, પૂજારા રનઆઉટ 0, કોહલી કો. ડિ'વિલિયર્સ બો. મોર્કલ 1પ3, રોહિત એલબીડબ્લ્યુ રબાડા 10, પાર્થિવ કો. ડિ'કોક બો. નેગીડી 19, હાર્દિક રનઆઉટ 19, અશ્વિન કો. પ્લેસિસ બો. ફિલેન્ડર 38, શમી કો. અમલા બો. મોર્કલ 1, ઇશાંત કો. માર્કરમ બો. મોર્કલ 3, બુમરાહ નોટઆઉટ 0, વધારાના 12 કુલ 92.1 ઓવરમાં 307 રન.  વિકેટપતન : 1-28, 2-28, 3-107, 4-132, 5-164, 6-209, 7-280, 8-281, 9-306 અને 10-307.  બોલિંગ : મહારાજ : 20-1-67-1, મોર્કલ : 22.1-પ-60-4, ફિલેન્ડર :  16-3-46-1, રબાડા : 20-1-74-1, નેગીડી : 14-2-પ1-1. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer