પતંગ સાથે ઉમંગની પણ ઊંચી ઉડાન

પતંગ સાથે ઉમંગની પણ ઊંચી ઉડાન
ભુજ, તા. 15 : ઉત્તરાયણે ભુજવાસીઓના પતંગની સાથે ઉમંગ અને અરમાનોએ પણ ઊંચી ઉડાન ભરી હતી. રાહગિરિ દ્વારા શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ  ખાતે આયોજિત પતંગોત્સવમાં ઊમટેલા લોકોએ સાથે મળીને ઉજવણી કરી હતી. જાણીતા પતંગબાજોની ભાગીદારી અને હરીફાઇને પગલે શહેરીજનોને પણ અવનવા પતંગોની કલાબાજી જોવાનો મોકો મળ્યો હતો. કચ્છમિત્ર રાહગિરિમાં મીડિયા પાર્ટનર છે. પતંગોત્સવની હરીફાઇમાં મેલમાં અંકિત ઠક્કર, ફિમેલમાં રૂપલ ઠક્કર, ગ્રુપમાં કચ્છ કલા કાઇટ ગ્રુપ, કિડ્સમાં માધવ ઠક્કર  તથા કપલ કેટેગરીમાં પાર્થ ચાવડા અને કૃષા ઠક્કર વિજેતા જાહેર કરાયા હતા. મકરસંક્રાંતિ અને રવિવારના સમન્વયે રાહગિરિ દ્વારા આ વખતે સવારે 9-30 વાગ્યાથી ડી.જે. મ્યુઝિક અને આંતરરાષ્ટ્રીય કક્ષાના પતંગબાજોને આવરી લઇને કાઇટ ફેસ્ટીવલનું આયોજન કરાયું હતું. ભૂકંપ પૂર્વે ભુજવાસીઓ સાથે મળીને ઉત્તરાયણની ઉજવણી કરતા, કંઇક એવો જ માહોલ આ વખતે જ્યુબિલી ગ્રાઉન્ડમાં સર્જાયો હતો.  આંતરરાષ્ટ્રીય સ્તરે પણ હુન્નર બતાવી ચૂકેલા કચ્છ કલા કાઇટ ગ્રુપના સભ્યોએ આકર્ષણ જગાવ્યું હતું. રાહગિરિના સંગીતમય અને ડાન્સના આયોજનો, શેરી રમતો, ફેશન શો, ફિલ્મી ક્વીઝ સહિતની ઇવેન્ટ્સની જેમ આ આયોજનને પણ લોકોએ વધાવી લીધું હતું. આ પતંગોત્સવમાં એન્ટ્રી અને રજિસ્ટ્રેશન નિ:શુલ્ક હતા. સૂરમંદિર સિનેમાએ સહયોગ આપ્યો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer