ઊંધિયું, જલેબી થકી મંદી ભુલાઇ ગઇ

ઊંધિયું, જલેબી થકી મંદી ભુલાઇ ગઇ
ભુજ, તા. 15 : મકરસંક્રાંતિના પર્વે અગાસી ઉપર પતંગબાજીની સાથોસાથ ભુજના સ્વાદપ્રિય લોકોએ મંદી-મોંઘવારી-જી.એસ.ટી.ને ભૂલીને આ વર્ષે પણ ત્રણથી ચાર હજાર કિલો ઊંધિયું ઝાપટી ગયા હતા. જો કે, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મંદી હોવાનો સૂર વેપારીઓએ વ્યક્ત કર્યો હતો. આ વખતે ભાવ વધુ હોવાથી ગત વર્ષની તુલનાએ 500-700 કિલો ઓછો ઉપાડ થયો હોવાનું ખુદ વેપારીઓનું તારણ છે. મુઠિયા, પાતરા, સમોસા, શીરો અલગ. શહેરીજનોએ પોતાની આર્થિક શક્તિ મુજબ ઊંધિયા ઉપરાંત મગદાળનો શીરો, ગાજરનો હલવો, જલેબી ઉપરાંત અન્ય મીઠાઇઓ તેમજ પાતરા, મુઠિયા, ખાંડવી, ખમણ, સફેદ ઢોકળા, પાપડી, ફાફડા આરોગી પતંગોત્સવ મનાવ્યો હતો. આ તો થઇ શહેરના જાણીતા દુકાનદારો પાસેથી મળેલા આંકડાની વાત, પણ નાના ધંધાર્થીઓ તેમજ ઘેર ઘેર બનતા ઊંધિયાનો આંકડો ક્યાંય પહોંચે તેમ છે. ભુજમાં સંક્રાંતના અનેક નવી જગ્યાઓ પર મંડપ બાંધી સ્વાદિષ્ટ વાનગીઓ વેચવામાં આવી હતી અને લાઇનોમાં ઊભા રહીને ખરીદી થઇ હતી. મકરસંક્રાંતિ પર્વ સાથે વણાઇ ગયેલા ઊંધિયાની બજારમાં લટાર મારતાં હોસ્પિટલ રોડ, બસ સ્ટેન્ડ વિસ્તારમાં ઘરાકોની સંખ્યા સવારે ઓછી દેખાઇ હતી જ્યારે જ્યુબિલી ગ્રાઉન્ડ અને મંગલમ પાસે કતારો જોવા મળી હતી, જ્યારે કોટ અંદરના વિસ્તારોમાં ઘરાકી સામાન્ય રહી હતી. ચાલુ વર્ષે ગત વર્ષની તુલનાએ 10થી 15 ટકા ભાવવધારો પણ દેખાયો હતો. શહેરમાં 150 રૂપિયાથી લઇને 250 રૂપિયા સુધી ઊંધિયાનું વેચાણ થતું હતું. એકંદરે શહેરીજનો 8થી 10 લાખ રૂપિયાનું ઊંધિયું આરોગ્યું હતું. બપોર બાદ મોટાભાગનો જથ્થો ખતમ હતો પણ વેપારીઓ મંદીનું ગાણું ગાતા હતા. ભુજમાં હોસ્પિટલ રોડના પ્રતાપભાઇ ઠક્કરે મંદી હોવાની વાત કરી હતી અને આ વર્ષે આ માર્ગ પર બે નવા સ્ટોલ પણ કાર્યરત થયા હોવાથી હરીફાઇ વધી હોવાનું જણાવ્યું હતું. જ્યારે તમામ પર્વને અવનવાં શબ્દો સાથે વધાવતા ખાવડા મેસૂક ઘરના કેયૂરભાઇએ જણાવ્યું હતું કે, જોઇએ તેવી ઘરાકી નથી. ઊંધિયાની સાથે લોકો મુઠિયા, મગદાળનો શીરો, ગાજરનો હલવો, સફેદ ઢોકળા, સમોસા, કચોરી, જલેબી, ગાંઠિયા, પાપડીની પણ ખરીદી થઇ રહી હોવાનું કહ્યું હતું. મિડલ સ્કૂલથી ઓપનએર થિયેટર સુધીના બસ સ્ટેન્ડ માર્ગમાં નાના-મોટા ધંધાર્થીઓના પાંચથી છ જેટલા ઊંધિયાના સ્ટોલ ખડા થયેલા દેખાયા હતા. અહીં છેલ્લા બે દાયકાથી ઊંધિયાનું વેચાણ કરતા અમિશભાઇ?ઠક્કરે જણાવ્યું હતું કે, હજુ સુધી હોવી જોઇએ તેવી ઘરાકી નથી પરંતુ ઉપાડ ચાલુ છે. આ વર્ષે 500 કિલો જેટલું ઊંધિયું બનાવ્યાનું કહ્યું હતું. જો કે, જ્યુબિલી ગ્રાઉન્ડ, આકાશવાણી સામે અને મંગલમ ચાર રસ્તે ગ્રાહકોની ભીડ?જોવા મળી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer