ભુજમાં પતંગથી ઘાયલ 27 પક્ષીને બચાવાયાં

ભુજમાં પતંગથી ઘાયલ 27 પક્ષીને બચાવાયાં
ભુજ, તા. 15 : ગુજરાત સરકારના કરુણા અભિયાન હેઠળ રોટરી કલબ ભુજ પ્રેરિત અહીંના ભાનુશાલીનગર ખાતેનું પક્ષી બચાવ કેન્દ્ર તા. 13-1થી 15-1ના ત્રણ દિવસ દરમ્યાન રાહત કામગીરીનાં કારણે સતત ધમધમતું રહ્યું હતું. રોટરી પ્રમુખ સુનીલ માંકડના જણાવ્યા અનુસાર સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં ખુલ્લાં મુકાયેલા અહીંના વિવિધલક્ષી પશુ કેન્દ્ર ખાતેના પક્ષી બચાવ કેન્દ્ર ખાતે છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન પક્ષી બચાવની કામગીરી અવિરત ચાલુ રહી છે. તા. 13થી શરૂ કરાયેલા આ સેન્ટર ખાતે વેટરનરી ડોકટરો કુલદીપ છાટપાર, ડો. મિતુલ ઠાકર, ડો. પ્રકાશ રાજપૂત, ડો. હરેશ ઠક્કર, રોટરીની વોલિન્ટીયર્સ પૂર્વી ગોસ્વામી, હેમાલી શાહ, પલ્લવી જોશી સાથે ફોરેસ્ટની રેસ્કયુ ટીમ ખડેપગે સેવા આપે છે. અહીં વિવિધ પ્રજાતિના કબૂતર, ચકલી, પોપટ અને ગીધ સહિતના કુલ્લે 27 જેટલા પક્ષીઓને સારવાર આપી સંભાળ રાખી ગગનમાં ઊડતા કરાયા હતા. પ્રોજેકટ ચેરમેન પ્રફુલ્લ ઠક્કરના જણાવ્યા અનુસાર શહેરના ત્રણ કેન્દ્રો સુપાર્શ્વ હોસ્પિટલના અભય કલર લેબ પાસે, હમીરસર ખાતેના પેલીકન નેચરલ કલબની આગેવાની હેઠળ ચાલતા કેન્દ્ર અને અહીંના સેન્ટર એકમેકના પૂરક બની ચાલી રહ્યા છે. અહીં સારવાર પ્રાપ્ત થાય તે પહેલાં મૃત્યુ પામેલા 3 પક્ષીઓના નિકાલ માટે સન્માનપૂર્વક અંતિમવિધિ માટે સુપાર્શ્વ હોસ્પિટલ દ્વારા ઊભા કરાયેલા ખાસ સેન્ટર ખાતે મોકલી અપાયા હતા. આ સેન્ટર આગામી 20-1 સુધી ચાલુ રહેશે. ડો. કુલદીપ છાટપારના મોબાઇલ નં. 94264 53678 પર ઇમરજન્સી સંપર્ક કરી શકાશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer