પાટીદાર મહિલાઓ વેપારમાંય આગળ

પાટીદાર મહિલાઓ વેપારમાંય આગળ
વિથોણ,(તા.નખત્રાણા) તા.15 : ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પાટીદાર બિઝનેસ સમિટનું ત્રણ દિવસના આયોજનમાં અવલ દરજ્જાના 10 હજારથી વધુ અગ્રણી ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. વેપારને લગતા 500થી વધુ સ્ટોલ મૂકવામાં આવ્યા હતા.  ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટના કન્વીનર શંકરભાઈ પટેલની આગેવાની હેઠળ નટુભાઈ પટેલ, ઉપપ્રમુખ (સરદાર ધામ) ગાંગજી સુતરિયા (પ્રમુખ સેવક) કાન્તિભાઈ ગઢિયા, કાન્તિભાઈ (રામ) પારૂલ પટેલ, સુરેશ પટેલ વિગેરેની ટીમે આયોજન કર્યું હતું. કડવા પાટીદાર યુવા સંઘની ટીમે ભૂમિકા ભજવી હતી.  સમિટમાં ભાગ લેવા ભારતમાં વેપાર ઉદ્યોગ ચલાવતા યુવા વેપારીઓ મોટી સંખ્યામાં ઊમટયા હતા. ઔદ્યોગિક નગરી એવા ગાંધીધામથી વેપારીભાઈઓએ ખાસ રસ લીધો હતો. ગોવા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશથી પાટીદાર યુવા બિઝનેસકારો ત્રણ દિવસના કાર્યક્રમમાં સામેલ થયા હતા. યુવાન-યુવતીઓએ પણ વેપારની કોઠાસૂઝ મેળવવા ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મહિલાઓ પણ વેપારમાં એક ડગલું આગળ છે તે સાબિત કરી બતાવ્યું હતું. અ.ભા.ક. પાટીદાર સમાજના પ્રમુખ અબજીભાઈ, મહામંત્રી પુરુષોત્તમભાઈ અને સમાજની કારોબારી ટીમ મહાત્મા મંદિરે બિઝનેસ સમિટમાં ભાગ લેવા પહોંચી હતી. દેશ-વિદેશના વેપારના તજજ્ઞો દ્વારા વેપારનીતિની કુશળતા વિશે માર્ગદર્શન આપ્યું હતું. ઓછા રોકાણથી વધુ નફો મેળવવાની તકો ઊભી કરવા ભાર મૂકવામાં આવ્યો હતો. સુરત, કડોદરા, અમદાવાદ, વડોદરા, નડિયાદ, આણંદ વિગેરે શહેરોના નિર્યાતકારોએ જોડાઈને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની સરળ વાતો શીખી હોવાનું જણાવવામાં આવ્યું હતું. કડવા પાટીદાર યુવા સંઘના પ્રમુખ રવિ ધોળુ, મોહન ધોળુ, જયંતીભાઈ, દામોદર પટેલ, ગૌરાંગ ધનાણી, વસંત ધોળુ વિગેરે પાટીદાર જોડાયા હતા.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer