બાલાસરમાં નીલગાયના બચ્ચાંને શિકારી કૂતરાથી બચાવાયું

બાલાસરમાં નીલગાયના બચ્ચાંને શિકારી કૂતરાથી બચાવાયું
રાપર, તા.15 : રાપર તાલુકાના બાલાસર ગામે વન વિભાગ દ્વારા નીલગાયના બચ્ચાંને બચાવવાની જવાબદારી નિભાવવાની સાથે જીવદયાનું કામ પણ કર્યું હતું.  વન્યપ્રાણીઓ નિર્ભય થઈ વન વિસ્તારમાં વિચરણ કરી શકે તે માટે રાપર તાલુકામાં વન વિભાગ દ્વારા જુદી-જુદી રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરીઓ આવેલી છે પરંતુ જેમના શિરે વન્ય પ્રાણીઓની સુરક્ષાની જવાબદારી છે એવી ધ્રાંગધ્રા સ્થિત આડેસર ખાતે અભયારણ્યની અલાયદી રેન્જ જવાબદાર અધિકારીઓ જાણે વન્ય પ્રાણીઓની રક્ષા માટે જાણે ઉપકાર કરતા હોય તેમ ફરજ બજાવી રહ્યા છે. અગાઉ આ રેન્જની મહેરબાનીથી અનેક વખત વન્યપ્રાણીઓના શિકાર બની ગયા હોવાની ફરયાદ છે.  બીજી તરફ રાપર તાલુકામાં જ અન્ય રેન્જ  છે કે જે વન્ય પ્રીણોઓના જતન માટે કામગીરી કરી રહ્યા છે. રાપર ઉત્તર રેન્જના આર.એફ.ઓ. એમ જે ચૌહાણના તાબાના બાલાસર ગામે જગાજી દાદાના મંદિર પાસે એક નીલગાયના બચ્ચાંને કૂતરાઓ શિકાર કરવા માટે પાછળ પડયા હતા. તે બાબતે વન વિભાગના વનપાલ વી.ડી. ગોસ્વામીને લખમણભાઈ ગોહિલે જાણ કરતાં વનપાલ તથા વન વિભાગના ગેલાભાઈ ઉમરખાન જુનેજા, પિન્ટુ ઠાકોર, દલપતપુરી ગોસ્વામી વિગેરે બનાવ સ્થળે દોડી આવ્યા હતા. અને કૂતરાઓનો શિકાર નીલગાયનું બચ્ચું બને તે પહેલાં બચાવી લઈને ઈજાઓ પામેલા બચ્ચાંને રાપર વેટરનરી હોસ્પિટલમાં સારવાર કરાવીને બચ્ચાંને રાપર પાંજરાપોળ ખાતે સુરક્ષિત રીતે રાખવામાં આવ્યું હતું.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer