ભુજ એસ.ટી. બસ મથકના ગેટ મુદે્ ધારાસભ્ય આજે મુલાકાતે

ભુજ, તા. 15 : ભુજનાં એસ.ટી.નાં હંગામી બસ સ્ટેશનમાં બસોના આવનજાવન મુદે વિવાદ સર્જાયા બાદ વાત ભુજ વિભાગના ધારાસભ્ય સમક્ષ પહોંચતાં તેઓ કાલે બસ મથકની મુલાકાત લેશે તેના પર મીટ  મંડાઇ છે.અત્યારે એસ.ટી. તંત્રે વ્યવસ્થાના ભાગરૂપે સલામતીને ધ્યાનમાં લઇ કૈલાસનગરવાળા રસ્તેથી બસ માટે આઉટ ગેટ કર્યો છે જ્યારે સંયુકતા સોસાયટી સામે બસને પ્રવેશ કરવા દેવાય છે. પરંતુ કૈલાસનગરવાળા રસ્તેથી બસો નીકળે છે એ મુદે્ આસપાસના રહેવાસીઓએ અકસ્માત સર્જાય તેવી ભીતિ દર્શાવી વિરોધ વ્યક્ત કર્યો છે. સાથે સંયુક્તા સોસાયટી તથા સિદ્ધિ વિનાયક સોસાયટીના રહેવાસીઓ કહે છે કે એક જ ગેટમાંથી 400થી વધુ રૂટને રોજ આવન-જાવન કરવા દેવાય નહીં. નિયમ વિરુદ્ધ છે અને અહીં ઉલ્ટાનું અકસ્માત વધી જાય તેવી સ્થિતિ થશે. ખુદ બસના ડ્રાઇવરોએ પણ જે અત્યારે બંને તરફથી વ્યવસ્થા છે તે જ ચાલુ રાખવાનું કહ્યું છે કારણ કે ચાલકો કહે છે કે બસ ચલાવવી અમને છે અમારી દ્રષ્ટીએ બે ગેટ હશે તો જ સલામતી ભરેલું છે. આખરે મામલો કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય સુધી પહોંચ્યો છે અને બંને પદાધિકારીઓએ વિભાગીય નિયામકનું ધ્યાન દોરી વ્યવહારુ ઉકેલ લાવવા જણાવીને ધારાસભ્ય કાલે મંગળવારે મુલાકાત લેશે એમ જણાવ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer