આજથી `કચ્છમિત્ર-એન્કરવાલા કપ'' શરૂ

ભુજ, તા. 16 : એક તરફ ન્યૂઝીલેન્ડમાં ક્રિકેટના અંડર 19 વિશ્વકપનો આરંભ થઇ ચૂકયો છે તો કચ્છના ઊગતા ખેલાડીઓ માટે પણ કચ્છના વર્લ્ડકપ જેવું મહત્ત્વ ધરાવતી કચ્છ ક્રિકેટ એસોસીએશન સંચાલિત અને કચ્છમિત્ર આયોજિત `કચ્છમિત્ર -એન્કરવાલા ક્રિકેટ ટૂર્નામેન્ટ'નો આવતીકાલથી ભુજના જ્યુબિલી  ગ્રાઉન્ડ અને માધાપરના ક્રિષ્ના ગ્રાઉન્ડ ખાતે આરંભ થઇ રહ્યો છે. 32 ટીમો વચ્ચે 10 દિવસ સુધી દિલધડક જંગ જામશે. હાઇસ્કૂલકક્ષાએથી પ્રતિભાશાળી ખેલાડીઓને બહાર લાવવાના ઉદ્દેશ સાથે યોજાઇ રહેલી કચ્છમિત્ર કપ ટૂર્નામેન્ટનો આવતીકાલે ભુજમાં જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે સવારે 9-00 વાગ્યે આરંભ થશે. મુખ્ય અતિથિપદે સાંસદ વિનોદભાઇ ચાવડા હાજર રહેશે અને ટોસ ઉછાળીને મેચ ખુલ્લી મૂકશે. આ પ્રસંગે અતિથિપદે ભુજના નગરપતિ અશોકભાઇ હાથી, કચ્છ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ બહાદુરસિંહ જાડેજા, કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા, સુધરાઇના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, કે.સી.એ.ના ઉપપ્રમુખ ભરતભાઈ ધોળકિયા, માધાપરના ઉપસરપંચ અરજણભાઇ ભુડિયા, રતનાલના સરપંચ રણછોડભાઈ આહીર, કચ્છમિત્રના તંત્રી દીપકભાઈ માંકડ, મેનેજર શૈલેષભાઈ કંસારા ઉપસ્થિત રહેશે. મેચની વ્યવસ્થા કે.સી.એ.ના પ્રવીણભાઈ હીરાણી અને કોચ શંકર રાઠોડ  સંભાળી રહ્યા છે.  બીજી તરફ માધાપર ખાતે ક્રિષ્ના ગ્રાઉન્ડ ખાતે સવારે 8.30 કલાકે સમાંતર મેચ રમાશે. જેમાં મહેમાન તરીકે જિ.પં. પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, અગ્રણી જયંતભાઈ માધાપરિયા, અગ્રણી અરજણભાઈ ભુડિયા, તા.પં. પ્રમુખ કંકુબેન ચાવડા, નવાવાસ સરપંચ પ્રેમિલાબેન ભુડિયા, જૂનાવાસના સરપંચ પ્રેમિલાબેન ચાડ, વર્ધમાન નગરના સરપંચ જ્યોતિબેન વિકમશી, કેરા-કુન્દનપરના મૂળજીભાઈ પિંડોરિયા, ગોવિંદભાઈ ખોખાણી હાજર રહેશે. ટૂર્નામેન્ટની વ્યવસ્થા ક્રિષ્ના સ્પોર્ટસ સેન્ટરના મહેશ સોની, ભાવેશ વાગડિયા, સચિન વાગડિયા સંભાળી રહ્યા છે.
કચ્છમાં પ્રથમ વાર મહિલા અમ્પાયર  માધાપર, તા. 15 : આવતીકાલથી શરૂ થનારી કચ્છમિત્ર-એન્કરવાલા કપ ટૂર્નામેન્ટ માટે અહીં ક્રિષ્ના ગ્રાઉન્ડ ખાતે પ્રથમ વખત મહિલા અમ્પાયરની સેવા લેવાશે.  અંડર 19માં જિલ્લાકક્ષાએ રમીને સારો દેખાવ કરી ચૂકેલી સવિતા બરાડિયા અને ચાવડા હેતલ અમ્પાયર તરીકે જજ કરશે. આવો પ્રયોગ પ્રથમ વખત થઈ રહ્યો છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer