તલવાણાના હતભાગી યુવાન ફૌજીના કેસમાં આકસ્મિક નિધનની સંભાવનાની તપાસ

ભુજ, તા. 15 :  પઠાણકોટ ખાતે તલવાણાના ક્ષત્રિય યુવાન ફૌજીના અણધાર્યા મોતના બનાવના ગણતરીના કલાકોમાં લશ્કર દ્વારા આ બનાવ અકસ્માતનો હોવાના પ્રાથમિક તારણ સાથે તપાસ હાથ ધરાઇ હોવાનો ખુલાસો થયો છે. આરંભમાં આ બનાવ સરહદ પારના ગોળીબારમાં શહીદીનો હોવાના અહેવાલો બાદ સાવ નવું અણધાર્યું કારણ ઊપસ્યું એ વચ્ચે રવિવારે હરદીપાસિંહ સહદેવાસિંહ ઝાલાને પૂરા સન્માન સાથે અંતિમ વિદાય આપીને લશ્કર અને રાજકીય અગ્રણીઓએ મોતનો મલાજો રાખ્યો હતો.  પઠાણકોટમાં ટેન્ક યુનિટમાં તૈનાત આ યુવાન કચ્છીને ગયા સોમવારે રાત્રે આંખમાં ગોળી વાગ્યાની હાલતમાં સારવાર માટે તાબડતોબ લશ્કરી હોસ્પિટલમાં ખસેડાયા હતા, પણ સારવાર કારગર ન રહેતાં તેમણે શુક્રવારે રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. આ બનાવના સંદર્ભમાં પ્રાથમિક અહેવાલ એવા આવ્યા હતા કે સરહદની સામેપારથી થયેલા ગોળીબારે આ યુવાન સૈનિકનો જીવ લીધો હતો.  આ અહેવાલના આધારે વતન તલવાણમાં શહીદને વિદાય પણ અપાઇ હતી. પરંતુ જ્યારે આ અંતિમ વિદાયની તૈયારી ચાલી રહી હતી તે સમયે રવિવારે બપોરે 12.41 મિનિટે સંરક્ષણ વિભાગના જનસંપર્ક અધિકારીએ સમાચાર માધ્યમોને સંદેશ મોકલીને યાદી જાહેર કરી હતી કે આ બનાવ આકસ્મિક હોવાના પ્રાથમિક તારણના આધારે લશ્કર દ્વારા વિગતવાર તપાસ હાથ ધરાઇ છે. જો કે, આ વિગત બહાર આવ્યા સુધી અંતિમ સંસ્કારની તૈયારીઓ આટોપી લેવાઇ હતી અને ભુજના લશ્કરી મથકની ટુકડીએ પૂરા લશ્કરી આદર સાથે સાથીદારને છેલ્લી સેલ્યૂટ આપી હતી,  સાથોસાથ રાજકીય અને સામાજિક આગેવાનોએ પણ આ મૃતક જવાનને માનભેર અંજલિ આપી હતી. દરમ્યાન, એક લશ્કરી અધિકારીનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, આકસ્મિક પ્રાથમિક તારણને સો ટકા આકસ્મિક કેસ હાલની તકે ગણી શકાય નહીં.  આની તપાસ પૂરી થયા બાદ જ સાચી હકીકત સામે આવશે, પણ તે દરમ્યાન બનાવ ખરા અર્થમાં શહીદીનો હોય એમ જણાય તો શહીદને તેનું પૂરું સન્માન ન અપાયું એમ ન જણાય એટલા માટે ગઇકાલે પૂરા લશ્કરી સન્માનની વિધિ કરાઇ હતી. આ ગમખ્વાર બનાવના કાયદા અંગે વધુ પ્રકાશ પાડતાં આ અધિકારીએ ઉમેર્યું હતું કે, જવાન ખરેખર શહીદ થયાનું સાબિત થશે તો તેમના પરિવારને 80 ટકા પગાર પેન્શન રૂપે મળવા સહિતનાં સંખ્યાબંધ વળતરનો અધિકાર રહેશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer