કચ્છની એસી ટ્રેનમાંથી ઉદ્યોગપતિની બેગ ચોરાઈ

મુંબઈ, તા. 15 (અમારા પ્રતિનિધિ તરફથી) : બાંદરા-ભુજ સુપરફાસ્ટ એસી ટ્રેનના ફર્સ્ટ એસીની કેબિનમાં મુસાફરી કરતા ઉદ્યોગપતિ તલકશી નંદુની બેગની ચોરી થઈ હતી. ભચાઉમાં યુરો ઇન્ડસ્ટ્રીના ડાયરેક્ટર અને ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન્સ (ફોકીયા)ના જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર તલકશી નંદુ બાંદરાથી સુપરફાસ્ટ એસી ટ્રેનની ફર્સ્ટ એસી ટ્રેનમાં બેઠા હતા, જે ટ્રેન રાતે પોણા બાર વાગે ઉપડી હતી. આજે સોમવારે સવારે 8થી 9 દરમિયાન વિરમગામથી ધ્રાંગધ્રા વચ્ચે ટ્રેન દોડી રહી હતી ત્યારે તલકશીભાઈએ મોબાઇલ ચાર્જર લેવા માટે સીટ નીચે મૂકેલી રેકઝીનની બેગ શોધી હતી ત્યારે ખબર પડી હતી કે બેગની ઉઠાંતરી થઈ ગઈ છે. આ બેગની અંદર ઓફિસ બેગ હતી જેમાં દસ્તાવેજો, ક્રેડિટ કાર્ડ, રેશનકાર્ડ વગેરે હતું જ્યારે બેગમાં કપડાં, રોજિંદી દવા, ખિસ્સા પર્સમાં પચીસેક હજાર રૂા. રોકડ હતા. તલકશીભાઈએ કહ્યું કે સામખિયાળી સ્ટેશને ફરિયાદ નોંધાવવાની કોશિશ કરી હતી પરંતુ ગાંધીધામ સ્ટેશને ફરિયાદ નોંધાવવા જણાવાયું હતું. તેથી ગાંધીધામ  રેલવે સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. બેગમાં અગત્યના દસ્તાવેજો હતા. મુંબઈથી કચ્છ વચ્ચે દોડતી ટ્રેનમાં ચોરીના બનાવો અવારનવાર બને છે. ટ્રેનમાં સિક્યોરિટી અને અન્ય સ્ટાફ હોય છે છતાં ગુનાહીત તત્ત્વો ફાવી જાય છે. રેલવે તંત્રે લોકોનો વિશ્વાસ જળવાઈ રહે એ માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવી જ પડશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer