જુગટું રમીને સંક્રાંત ઊજવતા કચ્છના 22 શકુનિશિષ્ય પોલીસે પાંજરે પૂર્યા

ગાંધીધામ, તા. 15 : રાપર તાલુકાનાં ચિત્રોડ ગામની સીમમાં પત્તાં ટીંચતા 7 શખ્સોની અટક કરી રૂા. 96,580નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો તેમજ ભુજના રતિયા ગામમાં આશાબા પીરની દરગાહ પાસે ધાણીપાસાનું જુગટું ખેલતા 8 ઇસમોને દબોચી લઇ પોલીસે રૂા. 2,34,080નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો તથા અબડાસાના જખૌમાં જુગાર ખેલતા 7 શખ્સોની ધરપકડ કરી રૂા. 4610 હસ્તગત કરવામાં આવ્યા હતા. આ ત્રણ દરોડામાં રૂા. 3,35,270ના મુદ્દામાલ સાથે 22 શકુનિશિષ્યો કાયદાની ઝપટે ચડયા હતા. ચિત્રોડ ગામની સીમમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર ખેલતા લગધીર કાના રાજપૂત, શિવા રામજી મણકા, કનુ કરશન બારોટ, ભરતભા કાના ગઢવી, રિતેશ સામદાસ સાધુ, યોગેશ વસંતલાલ જોશી અને દિનેશ હોથી ભતૂ (કોળી) નામના શખ્સોને પોલીસે પકડી પાડયા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂા. 47,580, એક બાઇક, 6 મોબાઇલ એમ કુલ રૂા. 96,580નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. બીજી બાજુ ભુજના રતિયા ગામના આશાબા પીરની દરગાહ પાસે ધાણીપાસા વડે જુગાર  રમતા જિગ્નેશ દેવકરણ આહીર, મહેમુદ રમજાન રાઠોડ, મામદશા હસમશા સૈયદ, મામદ જુમા ગગડા, અલીશા દાતુસા શેખ, હુસેનશા સુમારશા સૈયદ, ઇબ્રાહીમશા ભાકરશા શેખ, ગુલામશા મિસરીશા સૈયદને પોલીસે પકડી પાડયા હતા. આ શખ્સો પાસેથી રોકડ રૂા. 4580 તથા 7 મોબાઇલ અને 11 વાહનો એમ કુલ રૂા. 2,34,080નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો તથા જખૌ ગામના કોળીવાસ વિસ્તારમાં ચોકમાં ધાણીપાસાનું જુગટું ખેલતા મૂળશા ઓસા કોળી, જુમા ખમીશા કોળી, ઇશા આમદ અબડા, ફકીરા ઉર્ફે ફકુ ઓસા કોળી, કાસમ ઉર્ફે કાસુ ફકીર કોળી, મમુ છાયા કોળી અને  પ્રેમજી જેઠા જાગરિયા નામના શખ્સોની અટક કરવામાં આવી હતી. આ શખ્સો પાસેથી પોલીસે રોકડ રૂા. 4610 હસ્તગત કર્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer