કચ્છમાં એક આધેડ સહિત પાંચ જણનાં થયાં અપમૃત્યુ

ગાંધીધામ, તા. 15 : નખત્રાણા તાલુકાનાં બેરૂ ગામમાં હીરલબેન ઠાકોરભાઇ રાઇયા (ઉ.વ. 18)એ ઝેરી દવા પી જતાં સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો તેમજ નખત્રાણાના જ ભડલી ગામે હંસાબેન રમણભાઇ નાયક (ઉ.વ. 16) નામની કિશોરીએ ઝેરી દવા પી લઇ પોતાની જિંદગી ટૂંકાવી લીધી હતી. ભચાઉનાં મોરગર વાડી વિસ્તારમાં ભૂરાભાઇ ઉર્ફે ગલ્લાભાઇ કુણજીભાઇ ઠાકોર (ઉ.વ. 22) નામના યુવાને જીરામાં નાખવાની દવા પી લઇ આંખો મીંચી લીધી હતી તથા ભાનાડા પાસે આવેલા એરફોર્સ સ્ટેશનની અંદર એરફોર્સના રાજેશકુમાર રામવીરસિંહ (ઉ.વ. 24)નું મોત થયું હતું તેમજ દુધઇમાં 55 વર્ષીય એક ભિક્ષુકનું મોત થયું હતું. બેરૂ રોડ પર આવેલી પ્રેમજી પટેલની વાડીમાં ગત તા. 13-1ના સાંજે 6 વાગ્યે અકસ્માત મોતનો બનાવ બન્યો હતો. હીરલબેન નામની યુવતીએ વાડીના પાકમાં છાંટવાની દવા પી લેતાં પ્રથમ નખત્રાણા અને વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ અવાઇ હતી. જ્યાં સારવાર દરમ્યાન તેણે આજે સવારે છેલ્લા શ્વાસ લીધા હતા. આ બનાવ પછવાડેનું કારણ બહાર આવ્યું નથી. બીજી બાજુ ભડલીમાં ગંગારામ લધારામ પટેલની વાડીમાં રહેનારી હંસાબેન નામની કિશોરીએ ગત તા. 11-1ના સાંજે પાકમાં નાખવાની દવા ગટગટાવી લીધી હતી. તેને પ્રથમ નખત્રાણા અને બાદમાં વધુ સારવાર અર્થે ભુજની જિલ્લા હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં તેણે સારવાર દરમ્યાન આંખો મીંચી લીધી હતી. કેવા કારણોસર આ કિશોરીએ આપઘાત કર્યો હશે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. આપઘાતનો ત્રીજો બનાવ ભચાઉના મોરગર વાડી વિસ્તારમાં વેરશી જીવા રબારીની વાડીએ બન્યો હતો. આ વાડીમાં રહેતા ભૂરાભાઇ નામના યુવાને જીરુંમાં છાંટવાની દવા પી લીધી હતી, તેને સારવાર માટે ભુજની હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમ્યાન તેણે અંતિમ શ્વાસ લીધા હતા. આ બનાવ પછવાડેનું કારણ પણ અકબંધ છે. તેમજ ભાનાડા એરફોર્સમાં ફરજ બજાવતા રાજેશકુમાર નામના યુવાનનું ગઇકાલે રાત્રે મોત થયું હતું. આ યુવાનને હૃદયરોગને હુમલો આવતાં તેનું મોત થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. તો વધુ એક અપમૃત્યુનો બનાવ દુધઇમાં બન્યો હતો. ગઇકાલે સવારે 55 વર્ષીય એક ભિક્ષુકની લાશ આ ગામમાંથી મળી આવી હતી. આ આધેડનું મોત ઠંડીનાં કારણે થયું છે કે કુદરતી છે તેમજ તેની ઓળખ માટે આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer