જેલમાંથી બહાર આવતાં જ તસ્કરે મિરજાપરમાં ફરી હાથ અજમાવ્યો

ગાંધીધામ, તા. 15 : ભુજ તાલુકાના મિરજાપરમાં એક બંધ મકાનને નિશાન બનાવી તેમાંથી રૂા. 17,500ની મતાની ચોરી કરનારા શખ્સની પાલીસે અટક કરી હતી. તો ભુજના ભાજપ કાર્યાલય પાછળ આલ્ફા પ્લસ નીચેથી બાઇક અને મોબાઇલની ચોરી કરનાર એક શખ્સની પણ પોલીસે ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો હતો. મિરજાપર ગ્રામ પંચાયતની કચેરીની બાજુમાં રહેતા હિરેન કરશન ગોંડલિયા ગત તા. 13-1ના બપોરે ગામમાં આવ્યા હતા. જ્યારે તેમના પત્ની  માવિત્રે ગામમાં જ ગયા હતા ત્યારે બપોરના સમયે તેમના બંધ મકાનનાં તાળાં તોડી તેમાંથી સોનાની ચેન, ચાંદીના સાંકળા અને રેકડ રૂા. 1000 એમ કુલ રૂા. 17,500ની મતાની ચોરી થઇ હતી. આ પ્રકરણમાં પોલીસે માનકૂવાના વિનોદ વાલજી સીજુ નામના શખ્સની ધરપકડ કરી તેના કબ્જામાંથી તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો. આ શખ્સ અગાઉ ચોરીના ગુનામાં પાલારા જેલમાં હતો અને ચાર-પાંચ દિવસ પહેલાં જ છૂટીને બહાર આવ્યો હતો તથા ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. બીજી બાજુ ભુજના ભાજપ કાર્યાલય પાછળ આલ્ફા પ્લસ નીચેથી ગત તા. 13-1ના સવારે 11થી બપોરે 2 વાગ્યા દરમ્યાન ચોરી થઇ હતી. હસમુખ નવીનગર ગુંસાઇની બાઇક નંબર જી.જે. 12-ડી.જે. 4900 તથા બે મોબાઇલ એમ કુલ રૂા. 1,20,000ની ચોરી થઇ હતી. આ બનાવમાં પોલીસે જયમીનગિરિ ઇશ્વરગિરિ ગોસ્વામીની અટક કરી મુદ્દામાલ રિકવર કર્યો હતો. આ શખ્સને જેલહવાલે કરાયો હતો. આ શખ્સ અગાઉ રિવોલ્વર સાથે પણ પકડાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer