તલવાણાવાસી ફોજી યુવાનની પઠાણકોટમાં શહાદત

તલવાણાવાસી ફોજી યુવાનની પઠાણકોટમાં શહાદત
કોડાય (તા. માંડવી), તા. 13 : દેશની પંજાબ સરહદે અત્યંત સંવેદનશીલ ગણાતા પઠાણકોટમાં બેઝ ડેપો પાછળ ટેન્ક ઓફ યુનિટ ખાતે ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા મૂળ તલવાણાના ક્ષત્રિય યુવાન હરદીપસિંહ સહદેવસિંહ ઝાલાએ સીમાપારની ગોળીબારીમાં ઘાયલ થઇને શહાદત વહોરતાં ઝરપરાના વીર શહીદ માણશી ગઢવી પછી કચ્છના એક વધુ યુવાને રાષ્ટ્રની રક્ષા કાજે મોત સાથે ભેટો કર્યો છે. યુવાનની શહીદીના સમાચાર કચ્છમાં પહોંચતાં શહીદના સન્માનમાં જિલ્લાના માથા નમી  ગયા હતા અને સાથોસાથ એક કચ્છના વીરે ક્ષત્રિય વીરતાનો પરચો આપ્યો હોવાથી ગૌરવભેર ઊંચા પણ થયા છે. આંખોમાં અનેક અરમાન આંજીને, ઘર પરિવારને છોડીને રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલા શક્તિસિંહના હુલામણા નામે ઓળખાતા જવાન હરદીપસિંહ સહદેવસિંહ ઝાલા આઠમી જાન્યુઆરી સોમવારે રાત્રે ફરજ પર હતા ત્યારે તેમના યુનિટ એમ-80 ટીપીટી પર પાકિસ્તાન તરફથી આવેલી ગોળીથી આંખના ભાગે ઘાયલ થયા હતા. ત્યાંથી તેમને ઘાયલ અવસ્થામાં લશ્કરી હોસ્પિટલ પઠાણકોટ ખસેડાયા હતા અને ત્યાંથી 10મી જાન્યુઆરી બુધવારે વધુ સારવાર માટે પંચકુલા વેસ્ટર્ન કમાન્ડ ચંડી મંદિર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ગત રાત્રે 12 વાગ્યે આ વીરે અંતિમ શ્વાસ લીધા હતા. દુશ્મનોની દિશાએ સામી છાતીએ ઊભીને ગોળી ઝીલનારા વીર હરદીપસિંહ ઝાલાનો પાર્થિવ દેહ  સાથી સૈનિક જવાંમર્દ જવાનોની ભીની આંખ સાથે અમદાવાદ લાવવામાં આવ્યો, જ્યાંથી આવતીકાલે ઉત્તરાયણના બપોરે ચાર વાગ્યે તલવાણા પહોંચશે અને માદરે વતનની માટી પર તેમના અંતિમ સંસ્કારરૂપે અગ્નિદાહ અપાશે. ફેબ્રુઆરીમાં હજુ જેના વેવિશાળ થવાના હતા તેવા શહીદ હરદીપસિંહ ઝાલાની વીરતાની વધુ વિગતો આપતાં તેમનાં સાથી ફોજી ઇન્સ્પેક્ટર અમરીંદરસિંઘ બાજવાએ ફોન પર જણાવ્યું હતું કે,  આ સરહદ અતિ સંવેદનશીલ છે અને પઠાણકોટથી 10 કિ.મી. દૂર પાકિસ્તાન સરહદ પરની ચોકી પર શ્રી ઝાલા તૈનાત હતા. તેમને વાગેલી કારતૂસના નંબરની તપાસ કરાતાં ગોળી પાકિસ્તાન સરહદ પરથી યુદ્ધવિરામનો ભંગ કરીને છોડાયેલી હોવાનું પ્રતિપાદિત થયું છે. વધુ તપાસ પણ થઇ રહી છે. તલવાણામાં યુવાન ઘાયલ થયો હોવાના હેવાલ આવ્યા ત્યારે જ ગામના નિવૃત્ત સૈનિક રૂપસિંહ જાડેજા શ્રી ઝાલાને મદદરૂપ થવા પહોંચી ગયા હતા. શ્રી જાડેજાના જણાવ્યાનુસાર શહીદનો પાર્થિવદેહ રાષ્ટ્રધ્વજ સાથેના કોફીનમાં અમદાવાદ પહોંચ્યો છે, જ્યાંથી કાલે વતન તલવાણા લાવવામાં આવશે. પૂરા રાષ્ટ્રીય સન્માન સાથે અગ્નિદાહ અપાશે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer