કચ્છના માલધારી યુવાનિયા ઊંટ ઉછેર તરફ વળ્યા

કચ્છના માલધારી યુવાનિયા ઊંટ ઉછેર તરફ વળ્યા
નિમિષ વોરા દ્વારા  ભુજ, તા.13: એક વખતે મૃત:પાય થઈ ગયેલા ઉંટ ઉછેર વ્યવસાયને પશુપાલનની સાથે સ્વાવલંબી બનાવવાના સાત વર્ષથી બિન સરકારી સંગઠન `સહજીવન' સંસ્થાએ આદરેલા પ્રયાસને હવે સફળતા સાંપડી છે.  છેલ્લા ત્રણ વર્ષથી `સહજીવન'ની જહેમત દરમ્યાન તેના દૂધને મળેલી માન્યતાના પગલે આજે અનેક માલધારી પરિવારો ઉંટ પશુપાલનમાં રોજગારી મેળવી રહ્યા છે. તો મજાની વાત એ છે કે, આજે આ દૂધ સરહદ ડેરી તેમજ અન્ય માધ્યમથી દિલ્હીની ખાનગી કંપની અને આણંદ સ્થિત એશિયાની પ્રતિષ્ઠિત બ્રાન્ડ `અમૂલ' ખરીદે છે અને હવે તો આ દૂધની બનાવટ પૈકીની `કેડબરી' પ્રકારની ચોકલેટ પણ ભુજ સુધી વેચાવા લાગી છે.  કચ્છ ઉંટ ઉછેરક માલધારી સંગઠનના મંત્રી નૂરમામદ જતના જણાવ્યા અનુસાર દૂધની બજાર વ્યવસ્થા ઉભી થવાના કારણે માલધારીઓને પ્રોત્સાહન મળ્યું છે. અગાઉ ઉંટ ઉછેર છોડી ખેતી શરૂ કરી હતી અને 10 ઉંટો અન્ય માલધારીઓને ચરામણી માટે આપ્યા હતા પણ હવે દૂધનું વેંચાણ થવાના કારણે આજે 30 ઉંટડીઓ ખરીદી દૂધની આવકના કારણે નવા બાઈકની ખરીદી કરી છે અને જે માલધારી દૂધ પહોંચાડી ન શકતા હોય તેમના દૂધ કલેક્શન કરી ડેરી સુધી પહોંચાડે છે. ઉંટ ઉછેર વ્યવસાયના શુભ પરિણામો જોવા મળે છે. `સહજીવન'ના પ્રોગ્રામ કો.ઓર્ડિનેટર મહેન્દ્ર ભાનાણીએ જણાવ્યું હતું કે, દૂધની બજાર વ્યવસ્થા ઉભી થવાના કારણે ખાસ કરીને રબારી સમુદાયના યુવાનો ઉંટ ઉછેરથી દૂર જઈ રહ્યા હતા. તે હવે આ વ્યવસાયમાં રસ લેતા થયા છે.  નખત્રાણા તાલુકા વ્યારના પચાણ સારંગ રબારીએ 35, મંગલ મમુ રબારીએ 25, રાજા સાગા રબારીએ 30, વેરશી રબારીએ 30, માલાભાઈ રબારીએ 5 ઉંટડીઓ લઈ વારસાઈમાં મળી અને વ્યવસાય તરફ પાછા ફર્યા હતા. ઉખેડાના દેવાભાઈ રબારીએ તો 15 વર્ષ ટ્રકમાં ડ્રાઈવરની નોકરી ફરી પાછા ઉંટ પાલન વ્યવસાયમાં જોડાયા આજે દેવાભાઈ પાસે 30 ઉંટડીઓ છે. દૂધની સારી આવક મેળવી ગુજરાન ચલાવી રહ્યા છે. બેરૂ ગામના સુરાભાઈ રબારીએ જણાવ્યું કે આજે એમની પાસે 80 ઉંટડીઓ છે. ઉંટડીઓ ચરાવવા માટે પ્રતિમાસ રૂા. 15000/- ચુકવી રહ્યા છે, છતાં પણ દૂધના વેંચાણના કારણે એમની આવક વધી રહી છે. લોકો પણ આજે ઉંટડીના દૂધના મહત્વને સમજી રહ્યા છે. દૂધ વેંચાણના કારણે આવકમાં પણ વધારો થઈ રહ્યો છે. જેના કારણે જે યુવાનો ઉંટ પાલન છોડી રહ્યા હતા એ પાછા આ વ્યવસાયમાં જોડાઈ રહ્યા છે.  વધુમાં શ્રી ભાનાણીએ જણાવ્યું હતું કે, માલધારીઓને દૂધ સરળતાથી મળી શકે તે માટે ત્રણ સહકારી મંડળીઓ બનાવી છે. જેમાં મધ્ય કચ્છ ઉંટ માલધારી સહકારી મંડળી લિ.ના માધ્યમથી કામગીરી થઈ રહી છે. જેના પ્રમુખ હમીર ઈસ્માલ જત અને મંત્રી કમાભાઈ રબારીના જણાવ્યા અનુસાર દૂધ સરહદ ડેરીના ખરીદવાના કારણે રૂા. 50 માલધારીને અને પ્રતિ લિટર એક રૂપિયો સંગઠનના વિકાસ માટે રાખવામાં આવે છે. આગામી સમયમાં ઉંટ માલધારીઓની મંડળી માટે સરકાર સાથે સંકલન કરી માલધારીઓની આજીવિકા મજબૂત કરવામાં આવશે.  સરહદ ડેરીના માધ્યમથી દૂધ ખરીદી શરૂ કરાઈ છે. નખત્રાણા, લખપત, અબડાસાના 40 માલધારીઓ દૂધ ભરાવે છે. દૂધ સીધું આણંદ `અમૂલ'માં જાય છે. ત્યાંથી ચોકલેટ બનાવવામાં આવે છે. કચ્છમાં પણ આ ચોકલેટનો સારો ઉપાડ છે. આ ઉપરાંત દિલ્હીની આરવીકે ફૂડ પ્રા.લિ. કંપની પણ દૂધ ખરીદીને તેમાંથી વિવિધ પ્રોડક્ટ બનાવે છે. 1 મહિના પૂર્વે આ કંપનીએ 95 હજાર લિટર દૂધ ખરીદ્યું હતું.માલધારીઓને પ્રતિ લિટર 50 રૂપિયા ડેરીઓ ચૂકવે છે. અને 1 રૂપિયો સંગઠનના કાર્યક્રમ માટે અપાય છે. આટલું વળતર ભેંસના દૂધમાં પણ મળતું નથી. કારણકે ઉંટના ચારિયાણનું ખર્ચ નહિવત છે.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer