મોરગર વાડીવિસ્તારમાં ખેતમજૂર યુવાનનો ઝેરી દવા પી અકળ આપઘાત

ભુજ, તા. 13 : ભચાઉ તાલુકાના મોરગર ગામના વાડી વિસ્તારમાં મૂળ બનાસકાંઠા જિલ્લાના રાધનપુર તાલુકાના વતની એવા ખેતમજૂર ભૂરાભાઇ-ઉર્ફે ગલ્લાભાઇ કાનજીભાઇ ઠાકોર (ઉ.વ.22)એ ઝેરી જંતુનાશક દવા પી લઇને કોઇ કારણે આયખું ટૂંકાવી લીધું હતું; તો બીજી બાજુ, લખપત તાલુકામાં પાનધ્રો પાસેના સોનલનગર ખાતે ગઇકાલે ગંભીર રીતે દાઝી ગયેલી વનિતાબેન પ્રેમજીભાઇ મહેશ્વરી (ઉ.વ.17)નું મૃત્યુ થયું હતું. જિલ્લામાં અપમૃત્યુના બનાવોનો રોજિન્દો સિલસિલો જારી રાખતી આ બે ઘટનાઓ પૈકી પૂર્વ કચ્છ વાગડ વિસ્તારમાં મોરગર ગામના વાડી વિસ્તારમાં બાવીસ વર્ષની વયના ભૂરાભાઇ- ઉર્ફે ગલ્લાભાઇ ઠાકોરની અકળ આત્મહત્યાનો કિસ્સો નોંધાયો છે. અમારા ગાંધીધામ બ્યૂરોના અહેવાલ અનુસાર, મૂળ બનાસકાંઠાના વતની એવા આ શ્રમજીવીએ ગત તા.  પાંચમીના સાંજે જીરાના પાકમાં છાંટવાની ઝેરી જંતુનાશક દવા પી લીધી હતી. ભુજ ખસેડાયા બાદ આ હતભાગીએ આજે ઢળતી બપોરે જનરલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.મરનારે કયા કારણે આત્મહત્યા કરી તે વિશેનાં ચોક્કસ કારણો હજુ બહાર આવ્યાં નથી. પોલીસે આ દિશામાં છાનબીન હાથ ધરી છે.  બીજી બાજુ, પાનધ્રો તાબેના  સોનલનગર ખાતે વનિતાબેન મહેશ્વરી નામની કિશોરીના અપમૃત્યુની ઘટના દફ્તરે ચડી છે. પોલીસે આ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ તરુણી ગઇકાલે વહેલી સવારે તેના ઘરમાં ગંભીર રીતે દાઝી ગઇ હતી. વધુ સારવાર માટે ભુજ લઇ અવાયા બાદ જનરલ હોસ્પિટલ ખાતે આજે સવારે તેણે દમ તોડયો હતો. નારાયણસરોવર પોલીસે તપાસ હાથ ધરી છે.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer