પચ્છમમાં 11 કિલોવોટ વીજલાઇનના પંચાવન થાંભલા પાડી નાખી સવા છ લાખની સામગ્રી ચોરાઇ

ભુજ, તા. 13 : તાલુકાના પચ્છમ (ખાવડા) વિસ્તારમાં ધોરડો પાંચાડાના સિનિયાડો ગામની સીમના વિસ્તારમાં ત્રણેક કિ.મી. જેટલી લાંબી વિદ્યુત લાઇનના વાયરો, પંચાવન વીજથાંભલા ધ્વસ્ત કરીને ચોરી જવાયા હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. આ પ્રકરણમાં કુલ્લ રૂા. સવા છ લાખની કિંમતની વીજળીને લગતી સામગ્રી ઉઠાવી જવાઇ હોવાની ફોજદારી ફરિયાદ પોલીસ દફતરે લખાવાઇ છે. ત્યારે આ ચોરીનો ભેદ હાથ વેતમાં હોવાનું જણાયું છે. ગત તા. 29/12/2017 બાદ ગમે ત્યારે બનેલી ચોરીની આ મોટી ઘટના બાબતે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના ખાવડાના જુનિયર ઇજનેર સુરેશભાઇ છનિયાભાઇ ગામિત દ્વારા ખાવડા પોલીસ મથકમાં અજાણ્યા આરોપીઓ સામે ફરિયાદ લખાવાઇ છે. પોલીસે ચોરી અને જાહેર મિલકતને નુકસાન પહોંચાડવા સહિતની કલમો તળે ગુનો નોંધ્યો હતો. ફોજદાર એમ.કે. ચૌધરીએ તપાસ હાથ ધરી છે. બનાવના પગલે ભુજ વિભાગના નાયબ પોલીસ અધીક્ષક પણ જાતનિરીક્ષણ માટે સ્થાનિકે ધસી ગયા હતા. પોલીસે ફરિયાદને ટાંકીને આ સબંધી વિગતો આપતાં જણાવ્યું હતું કે, 11 કિલોવોટની વિદ્યુત લાઇન આ ઘટનામાં નિશાન બની છે. ધોરડોથી સિનિયાડો ગામ તરફ જતી આ વીજલાઇનના કુલ્લ 55 થાંભલા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા હતા અને  લગભગ ત્રણેક કિ.મી. લાંબા વાયર જેની કિંમત રૂા. પાંચ લાખ અંકારાઇ છે તે ચોરી જવાયા છે. આ ઉપરાંત આ લાઇન અને થાંભલાઓ સાથે જોડાયેલા કલેમ્પ અને એન્ગલ વગેરે મળી રૂા. સવા લાખની સામગ્રી પણ તફડાવી જવાઇ છે. આમ કુલ્લ રૂા. સવા છ લાખની સામગ્રી ચોરી જવાઇ હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. દરમ્યાન પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ આ ચોરીનો ભેદ ઉકેલાઇ ગયો છે અને મોડી રાત્રિ સુધીમાં સમગ્ર પ્રકરણ ઉપરથી પડદો ઊઠી જવાની શકયતા દર્શાવાઇ રહી છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer