કચ્છી-સિંધી અશ્વની માન્યતા બદલ કચ્છની સંશોધક સંસ્થાઓને કૃષિ મંત્રાલયનું સન્માન

કચ્છી-સિંધી અશ્વની માન્યતા બદલ કચ્છની સંશોધક સંસ્થાઓને કૃષિ મંત્રાલયનું સન્માન
ભુજ, તા. 13 : તાજેતરમાં જ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા કચ્છની કચ્છી-સિંધી અશ્વ ઓલાદને દેશની સાતમી અશ્વ ઓલાદ તરીકે માન્યતા આપવામાં આવી છે. કચ્છી-સિંધી ઓલાદના અશ્વોની સંખ્યા માત્ર ચાર હજાર જેટલી જ બચી છે. ત્યારે આવી લુપ્ત થતી અશ્વ ઓલાદને રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરાવવા પહેલ કરનાર સહજીવન સંસ્થા, રામરહીમ કચ્છી-સિંધી અશ્વ સહકારી મંડળી અનેઆણંદ કૃષિ યુનિવર્સિટીનું કેન્દ્રીય કૃષિ મંત્રી રાધામોહનસિંગના હસ્તે પ્રમાણપત્ર (એવોર્ડ) આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં કૃષિ ભવન ખાતે નવી દિલ્હીમાં કચ્છી-સિંધી ઘોડા જેવી થ્રેટન અશ્વ પ્રજાતિની ઓળખ ઊભી કરીને તેની માન્યતા માટે ઝીણવટભરી કામગીરી કરવા માટે સહજીવન સંસ્થાને સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. સહજીવન સંસ્થાના પ્રોગ્રામ ડાયરેટર રમેશ ભટ્ટીને ભારત સરકારના કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી રાધામોહનસિંગ હસ્તે આ સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. રામરહીમ કચ્છી- સિંધી અશ્વ સહકારી મંડળીના પ્રમુખ દિલુભા વાઘેલા અને આણંદ કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર ડો. ડી.એન. રાંકને કૃષિમંત્રીએ સન્માનપત્ર એનાયત કર્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિમંત્રીએ દેશી પશુ ઓલાદોની માન્યતા માટે પશુ ઉછેર કરનાર સમુદાયોને સંગઠિત કરીને તેમના શિક્ષણ અને જાગૃતિ સાથે દેશની ખૂબ જ ઉપયોગી પશુ ઓલાદોની નવી ઓલાદ તરીકે ઓળખ આપવા માટે સંસ્થાઓ અને યુનિ.ઓને બિરદાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉચ્ચ આનુવંશિક ગુણો ધરાવતી પશુ ઓલાદો પોતાની હોવાની સાબિત કરવા હરીફાઈ ચાલી રહી છે ત્યારે ભારતની સ્થાનિક પશુ ઓલાદોને નવી ઓળખ આપીને તેના સંવર્ધન અને સંરક્ષણ માટે કાર્ય કરવા ભારત સરકાર કટિબદ્ધ છે. આ કાર્યક્રમ દરમ્યાન થોડા સમય પહેલાં જ માન્યતા પ્રાપ્ત ખારાઈ ઊંટના સંવર્ધન કાર્યક્રમ હેઠળ અમૂલ દ્વારા તૈયાર થયેલી કેમલ મિલ્ક ચોકલેટ કેન્દ્રીય મંત્રીને ભેટ આપવામાં આવી હતી. આ પ્રયાસ બદલ તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે દરેક પશુ નસલના સંવર્ધન માટે ઘણા બધા આયામો ખુલ્લા હોય છે જેના માટે પ્રયાસો થવા જરૂરી છે. ભારત સરકાર દ્વારા કચ્છી- સિંધી ઘોડાના કાર્ય માટે સન્માન મળતાં કચ્છના અશ્વપાલકોમાં પણ ગૌરવની લાગણી ફેલાઈ છે તેવું સંસ્થાના પ્રોગ્રામ ડાયરેકટર રમેશ ભટ્ટીની યાદીમાં જણાવાયું હતું.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer