રોટરી પરિવાર જોડાતાં પક્ષી બચાવ ઝુંબેશને વેગ મળશે : સાંસદ

રોટરી પરિવાર જોડાતાં પક્ષી બચાવ ઝુંબેશને વેગ મળશે : સાંસદ
ભુજ, તા. 13 :  ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં ક્યારેક નિર્દોષ પક્ષીઓ ભોગ બનતા હોય છે. પતંગોત્સવની ચડસાચડસીમાં આકાશમાં ઉડાન ભરતા પક્ષીઓ અકારણ તેનો ભોગ બની મરણને શરણ થાય છે. આ માટે સરકારના જીવદયાના મિશનના પ્રતિભાવમાં સેવાકીય સંસ્થાઓ પણ જોડાઈ છે, જે આનંદની વાત છે. એવું અહીં રોટરી પ્રાયોજિત `પક્ષી બચાવ કેન્દ્ર'ને ખુલ્લું મૂકતાં સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય નીમાબેન આચાર્યએ શુભેચ્છા પાઠવતાં રોટરી સામાજિક દાયિત્વ નિભાવવા અગ્રેસર હોવાનું જણાવ્યું હતું. ભુજના પ્રથમ નાગરિક અને નગરપતિ અશોક હાથીએ  અદ્યતન સવલતસભર પક્ષી બચાવ કેન્દ્ર એ અન્ય જિલ્લાઓ માટે મોડેલ કેન્દ્ર બને છે તેની ખુશી વ્યક્ત કરી હતી.  કેન્દ્રના પ્રારંભે રોટરી પ્રમુખ સુનીલ માંકડે ક્લબની 75મા વર્ષની ઉજવણીની વાતને દોહરાવતાં અબોલ પક્ષીઓની વહારે આવવાનો મોકો રોટરીને સાંપડયો હોવાની ખુશી વ્યક્ત કરી હતી. નાયબ પશુપાલન નિયામક ડો. કે.જી. બ્રહ્મક્ષત્રિયએ પશુપાલન ખાતાની કચ્છમાં ચાલતી પ્રવૃત્તિઓથી સૌને વાકેફ કર્યા હતા, જ્યારે ફોરેસ્ટ વિભાગના અતુલ દવેએ પક્ષીઓની ખાસિયતોનું વર્ણન કર્યું હતું. પ્રોજેક્ટ ચેરમેન પ્રફુલ્લ ઠક્કરે કેમ્પ સંબંધી પૂરક વિગતો આપી હતી. આ કેન્દ્ર ઉત્તરાયણ પર્વના દિવસો દરમ્યાન તા. 13થી 20 દરમ્યાન રિલાયન્સ મોલ સામે, ભાનુશાલીનગર, ભુજ ખાતે અવિરતપણે ચાલુ રહેશે. રોટે. સુરેશ મણિલાલ ઠક્કરના આર્થિક સહયોગથી ઊભા કરાયેલા આ સેન્ટરમાં   અદ્યતન ટેકનોલોજીનાં ઓપરેશન સહિતની તમામ વ્યવસ્થા અહીં ઉપલબ્ધ છે. અહીં ડો. કુલદીપ છાટપારની ટીમ અવિરત સેવા આપશે. ઉપરાંતમાં ઈમરજન્સી સારવાર માટે ડો. હરેશ ઠક્કર, ડો. મિતુલ ઠાકર અને ડો. પરેશ વિરપારીની ટીમો પણ તૈનાત રખાઈ છે. આ કેન્દ્રના પ્રારંભે પી.ડી.જી. મોહનભાઈ શાહ, નગરસેવક ગોદાવરીબેન ઠક્કર, લોહાણા સમાજના પ્રમુખ કિરણભાઈ ઠક્કર, એ.જી. દિલીપ ઠક્કર, ડો. જયંત વસા, ડો. મુકેશ ચંદે, ફોરેસ્ટના સી.વી. ભગત, મોહનલાલ ઠક્કર, રસનિધિ અંતાણી, મુકેશ ઠક્કર, પરાગ ઠક્કર, ઊર્મિલ હાથી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer