હંગામી બસ સ્ટેશનના ગેટના મુદ્દે સર્જાયો વિવાદ

હંગામી બસ સ્ટેશનના ગેટના મુદ્દે સર્જાયો વિવાદ
ભુજ, તા. 13 : ભુજમાં કૈલાસનગર પાસે હંગામી બસ સ્ટેશન શરૂ થતાં આસપાસના રહેવાસીઓએ પ્રવેશદ્વારના મુદ્દે એક બાજુ વિરોધ શરૂ કર્યો, બીજી તરફ બસ સ્ટેશનની સામે આવેલી અન્ય સોસાયટીઓએ બે પ્રવેશદ્વાર ચાલુ રાખવાની માગણી કરતાં વિવાદ સર્જાયો છે, આ પ્રકરણમાં નગરસેવકોએ પોતાના એક તરફના મતદારોની અવગણના કરી હોવાનો પણ આક્ષેપ ઊઠયો છે. એસ.ટી. તંત્ર તરફથી હાલમાં સંયુક્તા સોસાયટીના સામેના ભાગમાં બસ સ્ટેશનમાં પ્રવેશ માટેની વ્યવસ્થા છે, જ્યારે બસોને બહાર નીકળવા માટે કૈલાસનગરવાળા એટલે કે પડદાભિટ્ટ રોડ સત્યમ સોસાયટી સામેના ગેટમાંથી સુવિધા શરૂ કરવામાં આવી છે. પરંતુ જે આઉટ ગેટ છે એ કૈલાસનગરવાળા રોડના મુદ્દે આસપાસના રહેવાસીઓએ વિરોધ કરી આજે હનુમાન ચાલીસાના પાઠ યોજી રીતસર વિરોધ દર્શાવ્યો હતો. રહેવાસીઓએ કહ્યું કે, અહીંનો રસ્તો સાંકળો છે અને વસાહતો ઘણી હોવાથી અકસ્માતનો ભય સતાવે છે, વળી બસો નીકળતી વખતે ધૂળ ઉડાડે છે. આવી સમસ્યા સતાવતી હોવાથી સંયુકતા સોસાયટીની સામે જ મુખ્ય પ્રવેશદ્વાર છે ત્યાં જ આવન-જાવન શરૂ કરવામાં આવે. આ રજૂઆતમાં ચૂંટાયેલા નગરસેવકોએ પણ ભાગ લીધો અને બેના બદલે એક જ માર્ગની માંગ કરી છે. જ્યારે બીજી તરફ સંયુક્તા સોસાયટી અને સિદ્ધિ વિનાયક સોસાયટીના રહેવાસીઓ પણ બંને માર્ગ એક જ દિશાએ ન નાખવાની માંગ સાથે બહાર આવી ગયા છે. એસ.ટી. તંત્રને એક આવેદનપત્ર પાઠવી જે વ્યવસ્થા કરવામાં આવી છે તેને જ ચાલુ રાખવા અનુરોધ કર્યો હતો. સંયુક્તા સોસાયટી સામે પ્રવેશદ્વારથી આવન-જાવન શક્ય નથી. કારણ કે દરરોજ ચારસોથી વધુ રૂટને એક જ ગેટથી આવવા અને બહાર નીકળવાની વ્યવસ્થા હોય જ નહીં. એસ.ટી. તંત્રના નિયમો છે કે ઇન અને આઉટ ગેટ બંને અલગ અગલ હોય છે, ભુજ-માંડવી, અંજાર આ તમામ બસ સ્ટેશનના દાખલા આપતાં જણાવ્યું હતું કે જો એક જ ગેટમાંથી વ્યવસ્થા કરાશે તો અમે પણ રહેવાસીઓ છીએ, અમને ખૂબ જ તકલીફ પડશે. કૈલાસનગર રોડ બાજુના રહેવાસીઓ ત્યાંથી આવનજાવન બંધ કરવાની માગણી કરે છે તે ગેરવાજબી છે. એક જ ગેટથી બસો પણ આવ-જા કરે ને પ્રવાસીઓ પણ અવરજવર કરે, વળી સતત ધમધમતો માર્ગ, આ બધું જ અકસ્માત નોતરે તેવી ભીતિ દર્શાવી ને કોઇનાં દબાણને વસ થઇ જો ત્યાંથી ગેટ બંધ કરાશે તો અમે સહન નહીં કરીએ તેવી ચીમકી આપી વ્યવહારુ ઉકેલ રૂપે કૈલાસનગરનો માર્ગ પહોળો કરી, ધૂળિયા માર્ગના બદલે ડામરથી મઢવામાં આવે તેવી માંગ રહેવાસીઓ દ્વારા કરાઇ હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer