ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો

ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો
ભુજ, તા. 13 : સમગ્ર વિશ્વને અભય સંદેશ આપનાર યોદ્વા સંન્યાસી સ્વામી વિવેકાનંદની 155મી જન્મ જયંતીના ઉપલક્ષમાં સમગ્ર જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. કચ્છ જિલ્લા વિવેકાનંદ યુવા કેન્દ્ર નેહરુ યુવા કેન્દ્ર ભુજના મુખ્ય સહયોગથી આઈટીઆઈ સંકુલ ભુજ ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને યુવા માર્ગદર્શન શિબિર યોજાઈ હતી.  સાંસદ શ્રી ચાવડાએ આ પ્રસંગે રાજ્ય અને કેન્દ્ર સરકારની યુવાલક્ષી વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત વાત કરતાં જણાવ્યું હતું કે, આવનારા સમયમાં કચ્છના યુવાનો વિશ્વસ્તરે સફળતા મેળવે તે માટે સરકાર તમામ ક્ષેત્રે સહયોગી બનશે. આયોજન બદલ જિલ્લા વિવેકાનંદ યુવા કેન્દ્રના અધ્યક્ષ જયેશદાન ગઢવીને શુભેચ્છા પાઠવી હતી. મુખ્ય અતિથિ તરીકે  ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયાએ સ્વામી વિવેકાનંદજીનો સંદેશ શાશ્વત છે તેવું જણાવી કચ્છના યુવક યુવતીઓને વિવેકાનંદજીના ઉપદેશથી પ્રેરણા લઈને ઉજજવળ ભવિષ્ય તરફ આગળ વધવા આહ્વાન કર્યું હતું. આ પૂર્વે  શબ્બીર ખત્રીએ સ્વાગત પ્રવચન કર્યું હતું, જયેશદાન ગઢવીએ યુવાકેન્દ્ર પ્રવૃત્તિઓ વિશે વાત કરી આગામી સમયમાં ભુજ ખાતે ત્રિદિવસીય `યુવા ચેતના શિબિર'ના આયોજન અંગે જણાવ્યું હતું. નેહરુ યુવા કેન્દ્રના નરેન્દ્રગિરિ ગુંસાઈ, જિલ્લા રોજગાર અધિકારી શ્રી પાલા તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર જયકુમાર શાહે પ્રાસંગિક ઉદબોધન આપી યુવાનોને રોજગારી અંગે માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા કચ્છના હેતલબેન બારમેડા, વિજયભાઈ અને રાખીબેનનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. સંચાલન જગદીશ બારોટે અને આભારવિધિ આઈટીઆઈ ગાંધીધામના પ્રિન્સિપાલ ચોટાઈજીએ કર્યા હતા.  ભાજપના ભુજ શહેરના યુવા મોરચા દ્વારા લેકવ્યુ હોટેલ પાસે વિવેકાનંદ વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં યુવાનોને સ્વામી વિવેકાનંદજીના જીવનમાંથી શીખ લઈ અને જીવન જીવવાની અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા યુવા મોરચાના મહામંત્રી પ્રફુલસિંહ જાડેજા, આઈ.ટી.સેલના ભૌમિકભાઈ વચ્છરાજાની, મંદાબેન પટ્ટણી, ગોદાવરીબેન ઠક્કર, ચૌલાબેન સોની, રશ્મિબેન સોલંકી, ભુજ શહેર યુવા મોરચાના પ્રમુખ દિવ્યરાજસિંહ જાડેજા, મહામંત્રી અંકુર રાજદે તથા શહેર યુવા મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હોવાનું જિલ્લા ભાજપ મીડિયા ઈન્ચાર્જ?ઘનશ્યામ રસિકલાલ ઠક્કરની યાદીમાં જણાવાયું હતું. નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજ દ્વારા રાવલવાડી પ્રા. પંચાયત શાળામાં `મારા સ્વપ્નનું ભારત' એ વિષય પર લેખન, ચિત્ર એકપાત્રીય અભિનય વિ. સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. જેમાં 40થી વધુ હરીફોએ ભાગ લીધો હતો. સંસ્થાના પ્રમુખ વી.જી.મહેતાના અધ્યક્ષસ્થાને અને પૂર્વ લાયન ગવર્નર મીનાબેન ભરતભાઈ મહેતા તથા પીજીવીસીએલના પૂર્વ અધિક્ષક ઈજનેર દિલાવરસિંહ રાઠોડના અતિથિવિશેષપદેયોજાયેલા કાર્યક્રમને મંચસ્થ મહાનુભાવો તેમજ બાળ કલાકારોએ દીપપ્રાગટય વડે ખુલ્લો મૂકયો હતો. શાળાના આચાર્ય શાંતિલાલ મોતાએ પ્રસંગ પરિચય આપી મહેમાનોને આવકાર્યા હતા. વિજેતાઓ પ્રભાત સોલગામા, રબારી ખેંગાર, ભરત પટ્ટણી, મહેશ્વરી ભાવેશ, પટેલ ભગવતી, સલાટ ભક્તિ વિ.ને મંચસ્થ મહાનુભાવોના હસ્તે પુરસ્કૃત કરાયા હતા. નાટય સંવાદમાં ભાગ લેનાર તમામ 18 બાળકોને પણ પુરસ્કૃત કરાયા હતા. સ્વામી વિવેકાનંદની પ્રતિમા પાસે સત્યમ્ના અધ્યક્ષ દર્શક અંતાણી, જટુભાઈ ડુડિયા, મધુકાંત ત્રિપાઠી, વી.આર.મહેતા, નીતા શાહ, અનીતા ઠાકુર, લીલાબેન ઠક્કર અને મીના ગઢવી તેમજ અન્યો હાજર રહ્યા હતા. બાળકો માટે ચિત્ર સ્પર્ધા યોજાતા તેના વિજેતાઓને અનવર નોડે દ્વારા ઈનામો આપવામાં આવ્યા હતા. શહેરના ભૂંગા અને ઝૂંપડે ધાબળાઓનું વિતરણ તેમજ ગાયોને નીરણ કરવામાં આવ્યું હતું. કચ્છ કલ્યાણસંઘ સંચાલિત એંકરવાલા સરસ્વતી વિદ્યામંદિર તથા શિશુવાટિકા સંતોષીમાતાના મંદિર પાસે સ્વામી વિવેકાનંદ જન્મજયંતી પ્રસંગે શાળામાં વંદના સમયે બાળકોએ પ્રેરકપ્રસંગ સૂત્રો તથા નાટક રજૂ કર્યા હતા. આ પ્રસંગને અનુરૂપ આચાર્યે બાળકોને ઉત્તરાયણપર્વની ઉજવણી સંદર્ભે દાનનો મહિમા સમજાવ્યો હતો. દીન દુ:ખી બાંધવોની ચિંતા કરવી એવા સંસ્કારો વિદ્યાલયમાંથી મેળવવા શીખ આપી હતી. ઉત્તરાયણ પર્વ પ્રસંગે પોતાના ઘેરથી, તલ, સીંગની ચિક્કી, બોર, શેરડી, લાડુ વગેરે વસ્તુ લાવી ઝૂંપડપટ્ટીના બાળકો કે જેઓ આ વસ્તુ ખરીદી નથી શકતા તેને આપી હતી. આ પ્રસંગે શાળાના પ્રધાનાચાર્ય વર્ષાબહેન ઠક્કર તથા શિલ્પાબેન, ઉર્વશીબેન, માલતીબેન, વર્ષાબેન જોષી, ચાર્મીબેન, નિશાબેન, હંસાબેન તથા આરતીબેન સાથે રહ્યા હતા. જિલ્લા નેહરુ યુવા કેન્દ્ર, ગુજરાત યુવા મંચ તથા અંજાર નગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી નિમિત્તે નગરપાલિકાના અધ્યક્ષા  પુષ્પાબેન  ટાંકના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અધ્યક્ષા શ્રીમતી પુષ્પાબેને જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદે ભારતની આધ્યાત્મિકતાની જ્યોતિ સમગ્ર વિશ્વમાં ફેલાવી હતી. ઉ.પ્રમુખ અનિલભાઇ પંડયાએ દરિદ્રનારાયણની સેવા એ જ મોટો ધર્મનો ઉપદેશ આપી તે કાર્ય માટે પ્રેરણા આપી છે. કારોબારી સમિતિના ચેરમેન પ્રકાશભાઇ પી. કોડરાણીએ જણાવ્યું હતું કે, આધુનિક યુવા પેઢીએ તેમના આદર્શને જીવનમાં ઉતારવો જોઇએ. શાસક પક્ષના નેતા ડેનીભાઇ શાહે તેમના પ્રેરણાત્મક અને ચિંતનાત્મક સાહિત્યનું વાંચન અને મનન થવું આવશ્યક હોવાનું જણાવ્યું હતું. આજના આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ભાજપ ઉ.પ્રમુખ ગોવિંદભાઇ કોઠારી, શહેર ભાજપ પ્રમુખ સંજયભાઇ એચ. દાવડા, રામજીભાઇ ઘેડા, મહામંત્રી લવજીભાઇ સોરઠીયા, નગરસેવકો દીપકભાઇ આહીર, અશ્વિનભાઇ પંડયા, સુરેશભાઇ ઓઝા, સુરેશભાઇ ટાંક, જયેન્દ્રસિંહ જાડેજા, રાજુભાઇ વી. પલણ, ડાયાભાઇ મઢવી, શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન તેજસભાઇ મહેતા, વિવેકાનંદ હાઇસ્કૂલના આચાર્ય ખીમજીભાઇ એસ. સિંઘવ, નગરપાલિકાના કર્મચારીઓ રામ પ્રસાદભાઇ એસ. ઘાવરી વિ. ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન સુરેશભાઇ છાયાએ અને આભાર વિધિ મગનભાઇ કન્નડે કરી હતી. અંજાર નગર પ્રાથમિક શાળા નં. 6 દબડા મધ્યે ધો. 4થી 8ના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ જેમણે `ભગિની નિવેદિતા' લેખન સ્વાધ્યાય માળામાં 62 જણે ભાગ લીધો હતો તેમને પ્રમાણપત્રો અપાયા હતા. રામકૃષ્ણ શારદા સેવાશ્રમ અને સ્વામી વિવેકાનંદ ભાવધારા કેન્દ્ર, અંજારના સંયોજક સુરેશભાઇ છાયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાળાવતી આચાર્ય રાજેશભાઇ સોતાએ સ્વાગત કર્યું હતું. અલ્પેશભાઇ પટેલ દ્વારા ભગિની નિવેદિતા વિશે માહિતી આપવામાં આવી હતી. શાળાના શિક્ષક ભાઇ-બહેનોએ સહયોગ આપ્યો હતો. અંજાર લોહાણા પ્રાથમિક કન્યા શાળામાં ધો. 5થી 8ના વિદ્યાર્થીઓને રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારા કેન્દ્ર અંજારના ઉપક્રમે પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય શક્તિબેન પંડયાએ આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગ નિમિતે શાળાની લાયબ્રેરી માટે પુસ્તકોના સેટ અર્પણ કરવામાં આવ્યા હતા. શેઠ ડી.વી. ઉચ્ચત્તર માધ્યમિક શાળા અંજાર મધ્યે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની વકતૃત્વ સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે અંજાર રામસખીજી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાળાવતી આચાર્ય નયનાબેન કટ્ટાએ શાળામાં વિદ્યાર્થીના જીવન ઘડતરની પ્રવૃત્તિ બિરદાવી હતી. આર.આર. ચૌહાણે સંચાલન કર્યું હતું. કીર્તિદાસજી મહારાજ તરફથી પણ રોકડ ઇનામો આપવામાં આવ્યા હતા.શાળા વતી શ્રી ધારિયાએ આભારવિધિ કરી હતી. આદિપુરમાં `યુવા દિવસ' નિમિત્તે દાદા દુ:ખાયલ બી.એડ. કોલેજમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભારત વિકાસ પરિષદના ડો. ચેતન વોરાએ `સ્વામીજીના કાર્યોથી યુવાનોને પ્રેરણા' વિષય પર મનનીય વ્યાખ્યાન આપ્યું હતું. જેનો 200 જેટલા છાત્રોએ લાભ લીધો હતો. આ પ્રસંગે મૈત્રી મંડળના અગ્રણીઓ જે. પોપટાણી, હીનાબેન જેઠાણી, જે.પી. મહેશ્વરી, વિ. અતિથિઓ તરીકે ઉપસ્થિત રહી સ્વામીજીના આદર્શોને જીવનમાં અપનાવવા અનુરોધ કર્યો હતો. આયોજન કોલેજના આચાર્ય ડો. મહેન્દ્ર ચૌહાણ તથા પ્રો. સોનલ સોલંકી વિ.એ કર્યું હતું. મોટી સંખ્યામાં છાત્રો-પ્રાધ્યાપકો વિ. ઉપસ્થિત રહ્યા હતા. મુંદરામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુવાગર્જના મહારેલી યોજાઇ હતી. આ રેલી શિશુ મંદિર વિદ્યાલયથી રોટરી હોલ સુધી જેમાં રાજકીય અગ્રણીઓ મુંદરાના (એ.બી.વી.પી.)ના મંત્રી નારાણભાઇ ગઢવી, જિલ્લા સમિતિના જયરાજસિંહ જાડેજા તથા સમગ્ર ટીમ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વકતા કરશનભાઇ ગઢવીએ  ઉદબોધન કર્યું હતું. મુંદરા તાલુકા ભાજપ દ્વારા ભાજપ કાર્યાલય મધ્યે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિતે હારારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા ભાજપ પ્રમુખ વાલજીભાઇ ટાપરિયા, મહામંત્રી કીર્તિભાઇ ગોર, તાલુકા પંચાયત પ્રમુખ રણજીતસિંહ જાડેજા, ઉપપ્રમુખ ડાયાલાલ આહીર, સરપંચ ધર્મેન્દ્ર જેશર, યુવા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા, એપીએમસીના ચેરમેન મહેન્દ્રસિંહ જામ સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નખત્રાણાની જી.એમ. ડી.સી. કોલેજ ખાતે સ્વામી વિવેકાનંદ તેમજ યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનું દીપ પ્રાગટય પૂંજલ દાદા મોરજર અખાડાના મહંત પૂ. દિલીપ રાજાએ કર્યું હતું. પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું કે જીવનમાં હંમેશા કાર્યશીલ રહેવું સાથે સમયની પણ સાથે ચાલવું જીવનમાં સફળતા હાંસલ કરવા સૂર્યોદય પહેલાં સવારે ઉઠી જવું જોઇએ. તો કોલેજના છાત્રો દ્વારા આ પ્રસંગે વકતૃત્વ ર્સ્પધા યોજવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ પોતાના વકતવ્યો રજૂ કર્યા હતા. નખત્રાણા પી.એસ.આઇ. શ્રી બોદાણાએ જણાવ્યું હતું કે, શિક્ષણથી સમજણ આવે જેથી જીવનના ઘડતર માટે હંમેશા શિક્ષણને મહત્વ આપવું જોઇએ. કોલેજના ટ્રસ્ટી લાલજીભાઇ રામાણીએ પૂ. દિલીપરાજા, પી.એલ. આડે શ્રી બોદાણાનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. કોલેજના કાર્યકારી આચાર્ય ઉષાબેન ભટ્ટ, લવિન્દ્ર લાંબા, વિષ્ણુભાઇ ત્રિવેદી, હિતેષભાઇ તન્ના, અંજનાબેન, વિપુલભાઇ મોદી, વિપુલભાઇ પટેલ, ચેતન ધનાણી, દિનેશભાઇ લીંબાણી ગોપાલભાઇ ભટ્ટ, લખુભાઇ, ટીનુભાઇ સહયોગી બન્યા હતા. આભાર વિધિ આચાર્ય ઉષાબેન ભટ્ટે કરી હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer