કનકપરમાં મશીન પેદા કરશે રોજ 300 કિલો ચારો

કનકપરમાં મશીન પેદા કરશે રોજ 300 કિલો ચારો
કનકપર, તા. 13 : અબડાસા તાલુકાનું કનકપર ગામ એક `મોડેલ વિલેજ' જેવું કાર્ય કરી રહ્યું છે. છેલ્લા કેટલાંય વર્ષોથી ગામમાં 100 ટકા ટપક પદ્ધતિથી થતી ખેતીએ આ ગામને દેશ- વિદેશમાં પ્રખ્યાત તો કર્યું જ છે, પરંતુ હવે `હાયડ્રોપોનિક મશીન' દ્વારા તેમાં વધુ એક આધુનિકતાનો ઉમેરો થયો છે. એક ચપટી પણ જમીન કે રાસાયણિક દવાઓના ઉપયોગ વિના પશુધન માટે રોજ 300 કિલો જેટલો મકાઈનો ચારો પેદા કરતું હાયડ્રોપોનિક મશીન આ ગામમાં `ધ કોર્બેટ ફાઉન્ડેશન' દ્વારા લગાવાયું છે. આ બાબતને કનકપરના ગામલોકોએ વૈજ્ઞાનિક સમજથી સ્વીકારી છે અને નવી ટેકનોલોજીને ઉમળકાભેર અપનાવી છે. કચ્છના પશુપાલકો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા બને અને વિશ્વના અન્ય દેશોની માફક બારેમાસ લીલો ચારો પ્રાપ્ત કરતા થાય તે અભિગમ સાથે કચ્છમાં છેલ્લા બે દાયકાઓથી કાર્ય કરતી સંસ્થા ધ કોર્બેટ ફાઉન્ડેશન દ્વારા હાઈડ્રોપોનિક પદ્ધતિથી મકાઈનો ચારો ઉગાડવાની શરૂઆત કરવામાં આવી છે. `બોમ્બે ગૌરક્ષક ટ્રસ્ટ'ની સહાયથી અબડાસાના કનકપર ગામ ખાતે પશુધન માટે રોજનો 300 કિલો મકાઈનો ચારો પેદા કરતું હાઈડ્રોપોનિક મશીન લગાડવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન નાયબ કલેક્ટર ડી.એન. ઝાલા અને બોમ્બે ગૌરક્ષક ટ્રસ્ટના અનિલ હીરજી દ્વારા કરવામાં આવ્યું હતું. મશીનના ઉપયોગથી બનતા મકાઈના ચારાનો ઉપયોગ ગામલોકો દ્વારા કરવામાં આવે તે માટે સંસ્થા દ્વારા લેખિત સમજૂતી કરાર પણ કરવામાં આવ્યા છે. ભવિષ્યમાં સંસ્થા દ્વારા આ ગામના પશુધન અને ગૌચરના વિકાસ માટે પણ કાર્ય કરવાની તૈયારી દર્શાવાઈ છે. ઉદ્ઘાટન કાર્યક્રમ મામલતદાર શ્રી પૂજારા, કોર્બેટ ફાઉન્ડેશનના ચેરમેન દિલીપ ખટાઉ, લક્ષ્મીકુમાર ગોકુલદાસ, કેદાર ગોરે, દેવેશ ગઢવી, દુષ્યંતસિંહ ઝાલા તેમજ કનકપર ગામના સરપંચ દેવલબેન રબારી, ઉપસરપંચ સરલાબેન પટેલ, કનકપર ગૌસેવા સમિતિના પ્રમુખ વસંતલાલભાઈ, સમાજના પ્રમુખ ચીમનલાલભાઈ, ડો. શાંતિલાલ સેંઘાણી અને કનકપર ગૌસેવા સમિતિના સભ્યો વાડીલાલ પોકાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. દેવજીભાઈ, પુરુષોત્તમભાઈ, દિનેશભાઈ, ગોવિંદભાઈ, મગનભાઈ મારવાડા, હમીરભાઈ મહેશ્વરીએ સહયોગ આપ્યો હતો. સંચાલન ખીમજીભાઈ સીજુ અને આભારવિધિ હસમુખભાઈ રંગાણીએ કર્યા હતા. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer