પાણીનાં તળ ઊંડા ઊતરી જતાં મોટા આસંબિયા પંથકમાં શેરડીનો પાક ઘટવા માંડયો

પાણીનાં તળ ઊંડા ઊતરી જતાં  મોટા આસંબિયા પંથકમાં  શેરડીનો પાક ઘટવા માંડયો
રમેશ ગઢવી દ્વારા  કાઠડા (તા. માંડવી), તા. 13 : તાલુકામાં શેરડી પાક માટે મુખ્ય મથક ગણાતાં મોટા આસંબિયા, કઢરાઇ ચોકી વિસ્તારમાં આ વર્ષે માત્ર 5?ટકા જેટલું જ વાવેતર થયું છે. જે શેરડી 300થી 350 એકરમાં વવાતી તે હવે 25થી 30 એકરમાં માંડ વાવેતર થયું છે. જેનું કારણ તળ ઊંડા જતાં પાણી ઘટવાના લીધે આ વાવેતર ઘટયું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે અને ભરઉનાળે આખા તાલુકાને શેરડીથી ઠંડક આપતો આ વિસ્તાર હવે કદાચ સ્વપ્ન બની જાય તેવું લાગી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. ખાંડ, ગોળ અને પીવા માટે મુખ્યત્વે ઉપયોગ લેવાતી શેરડી નબળા વર્ષમાં પશુધન માટે ચારા માટે પણ?ઉપયોગી બને છે ત્યારે આ વિસ્તારમાં એક એકરદીઠ 1200 મણનો ઉતારો આપતી શેરડી હાલમાં 190થી 200 રૂપિયા મણના ભાવે વેચાય છે જેથી આ વિસ્તારના અનેક ખેડૂતોને રોજીરોટી મળતી હતી પણ પાણીનાં તળ ઊંડા જતાં જે રોજીરોટી છીનવાઇ જવાને આરે પહોંચી હોવાનું આ વિસ્તારના જાણીતા શેરડીવાળા માવજીભાઇ પટેલે કહ્યું હતું. વધુ માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારની શેરડી વખણાતી હતી અને અહીંથી આજુબાજુ મુંદરા, ભુજ વગેરે વિસ્તારોમાં મોકલતા હતા પરંતુ પાણીના તળ 350થી 400 ફૂટે પહોંચ્યા જે પણ?અમુક જ વાડીઓમાં છે. શેરડીને પાણીની જરૂર વધારે રહે છે. સરકાર દ્વારા ડ્રીપ ઇરિગેશનને વેગ અપાતાં શેરડી માટે ડ્રીપ ઇરિગેશન વસાવવાનું ખેડૂતોએ આદર્યું, પણ હવે દિવસોદિવસ પાણી ઘટતાં હવે ડ્રીપમાં પણ?શેરડીને પાણી પૂર્ણ નહીં થતાં ખેડૂતો શેરડીના પાક ઘટાડવા લાગ્યા છે અને જે વિસ્તાર માંડવી-મુંદરા અને ભુજને શેરડી આપતો તેને બદલે હવે માંડવીમાં પણ મહારાષ્ટ્ર અને પૂનાથી શેરડી મગાવવી પડે છે. ત્યારે અહીંના ખેડૂતો ખેતીના બદલે અન્ય ધંધાર્થે તથા વિદેશોની વાટ?પકડી હોવાનું કહ્યું હતું. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer