ભાષા બચાવવા કટિબદ્ધ બનવું પડશે

ભાષા બચાવવા કટિબદ્ધ બનવું પડશે
મસ્કા (તા. માંડવી), તા. 13 : માતૃભાષા ગુજરાતી માટે કપરો કાળ ચાલી રહ્યો છે. દરેક ઘરમાં કોન્વેન્ટ કલ્ચર વિકસી રહ્યું છે. ગુજલિશ નામની નવી ભાષા ઉભરી રહી છે, ત્યારે ભાષા બચાવવા સૌએ કટિબદ્ધ બનવું પડશે. ભાષાની સાથેસાથે સંસ્કૃતિનું પણ પતન થાય છે એવું ભાષા નિયામક કચેરી દ્વારા માંડવીમાં જિલ્લાના ભાષા શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે યોજાયેલા પરિસંવાદ અને પ્રદર્શનમાં બોલતાં નિયામક હંસાબેન ગઢવીએ જણાવ્યું હતું. ભાષા પ્રદર્શનને રિબિન કાપી ખુલ્લું મૂકતા માધ્યમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ માતૃભાષા પ્રતિ વિચાર અને વાણીમાં મમત્વ કેળવવા વિદ્યાર્થીઓ-શિક્ષકોને અનુરોધ કર્યો હતો. અખિલ કચ્છી ચારણ સમાજના પ્રમુખ વિજયભાઇ ગઢવીએ રાજ્યકક્ષાનો સેમિનાર માંડવીમાં યોજવા બદલ રાજીપો વ્યકત કરી સહયોગની ખાતરી આપી હતી. કચ્છ યુનિવર્સિટીના માજી કુલપતિ ડો. કાંતિ ગોરે સામાન્ય વ્યવહારમાં થતી ભૂલો તથા નિવારવામાં માધ્યમોની ભૂમિકા પર પ્રકાશ પાડયો હતો. ખાસ પ્રેરણાત્મક મુલાકાતે આવેલા એન.સી.ઇ.આર.ટી.ના ઇ.એસ.ડી. વિભાગના હેડ ઇન્દ્રાણીબેન ભાદુરીએ આયોજન બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. વિશ્રામ ગઢવીએ કચ્છ બહારના  શિક્ષકો અને કચ્છી વિદ્યાર્થીઓ  વચ્ચે સર્જાતી પ્રત્યાયન સમસ્યાઓ કેવી રીતે નિવારી શકાય તેની સમજ આપી હતી. ડો. પલ્લવી શાહ અને અનિરુદ્ધસિંહ ગોહિલે ભાષા અને વ્યાકરણની વિશેષતાઓ પર ભાર મૂક્યો હતો. ચારણ બોર્ડિંગના ગૃહપતિ ભીમશીબાપાએ મેજર મહિપતદાન ગઢવીનું સન્માન કર્યું હતું, તેજસ્વી છાત્રોનું પણ સન્માન કરાયું હતું. સેમિનારના સંયોજક અને સંચાલનની જવાબદારી કમલેશ મોતાએ સંભાળી હતી. સ્વાગત પ્રવચન ભાષા નિયામક કચેરીના પ્રકાશન અધિકારી કનકસિંહ પરમારે કર્યું હતું. જ્યારે આભારવિધિ કેતનભાઇ ઉપાધ્યાયે કરી હતી. આયોજન વ્યવસ્થા દેવરાજ ગઢવી અને નાગાજણ ગઢવીએ સંભાળ્યા હતા, જ્યારે  માધ્યમિક શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષકો હર્ષદ ગરવા અને પ્રવીણસિંહ જાડેજા તથા નીતિન ચાવડાએ સહયોગ આપ્યો  હતો. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer