ગાંધીધામમાં છવાયો પંજાબનો માહોલ

ગાંધીધામમાં છવાયો પંજાબનો માહોલ
ગાંધીધામ, તા. 13 : સંકુલમાં વસવાટ કરતા પંજાબી પરિવારોએ દર વર્ષની માફક આ વર્ષે પણ લોહરી તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરતાં ગાંધીધામમાં પંજાબનો માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે પંજાબની સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. કાર્યક્રમના આરંભે મંત્રી સંજય ગાંધીએ સૌ ઉપસ્થિતોને આવકારીને દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી જમીન પર કોમ્યુનિટી હોલના બાંધકામની પ્રગતિ વિશે ખ્યાલ આપ્યો હતો તેમજ સૌના સહકારની અપેક્ષા વ્યકત કરી હતી. શિયાળાની ઋતુને વિદાય આપતા લોહરીના તહેવારમાં સેંકડો પંજાબી પરિવારોએ નાચ-ગાયનમાં ભાગ લીધો હતો. પરંપરાગત ગીત `સુંદરી મુંદરી દુલ્લા ભટ્ટી'ના ગીત પર નૃત્ય કરી નવપરિણીત દંપતીઓએ આ ઉત્સવની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, સુધરાઈ પ્રમુખ ગીતાબેન ગણાત્રા, ચંદન જૈન, સુરેશ જૈન, ડી.કે. અગ્રવાલ, હાજી જુમા રાયમા, ડીપીટીના નાણાકીય અધિકારી શ્રી સોઢી, ભરત ગુપ્તા, ચેતન જોષી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના ઉપપ્રમુખ રાજેશ ગોમ્બર, મહેન્દરસિંઘ ધનોના, સહમંત્રી સંદીપ ત્રેહાન, રાજીવ સલુજા, ખજાનચી મનજિતસિંઘ, અનિલ ચોપરા, દીપક ત્રેહાન, અભિષેક ગોમ્બર, જગતારસિંઘ આયોજનમાં સહયોગી બન્યા હતા. સંચાલન ગગન મલ્હોત્રાએ કર્યું હતું. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer