પ. કચ્છની મિની એસ.ટી. બસોને હવેથી જવામાં જ્યુબિલી થઈને ચલાવવા નિર્ણય

ભુજ, તા. 13 : ભુજમાં હંગામી બસ સ્ટેશન કૈલાસનગર પાસે બન્યા પછી પ્રવાસીઓને થોડી મુશ્કેલીઓ ઊભી થઈ છે પરંતુ તે નિવારવા એસ.ટી. તંત્ર તફરથી સતત પ્રયાસો કરાઈ રહ્યા છે. માંડવી, નખત્રાણા અને નલિયા તરફ હવે જવા માટે 19 મિની બસોને વાયા જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતેથી ચલાવવાનો નિર્ણય કરાયો છે. વિભાગીય નિયામક ભૂપેન્દ્ર ચારોલાના જણાવ્યા પ્રમાણે નવા હંગામી બસ સ્ટેશને આવવા માટે તો ખાસ કરીને તમામ બસોને ટાઉનહોલ થઈ સ્વામિનારાયણ મંદિરવાળા રૂટથી ઓફ્રેડ પાસે સ્ટોપ આપી બસ સ્ટેશને પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પરંતુ તેમ છતાં પણ મુસાફરોને ખાસ કરીને જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતેથી નલિયા, માંડવી કે નખત્રાણા તરફ જવા મુશ્કેલી થતી હોવાથી એસ.ટી. તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. કારણ કે દરરોજ સેંકડો પ્રવાસીઓ પોતાના કામકાજ પતાવીને જ્યુબિલી સુધી તો આવી જતા હોય છે, જો બસોને બસ?સ્ટેશનથી ઉપાડયા પછી વાયા જ્યુબિલી મેદાન થઈને ચલાવાય તો બસ સ્ટેશન સુધી પહોંચવાનો ધક્કો તથા ભાડા બચી શકે તેમ છે. આ સંજોગોને ધ્યાને લઈ વિભાગીય નિયામક તરફથી આ તરફ જતી 19 મિની બસોને આજથી જ્યુબિલી મેદાન થઈને ચલાવવાનો નિર્ણય કર્યો હતો અને બસના રૂટને પણ આ પ્રકારની સૂચના અપાઈ હતી. બીજી તરફ ઓફ્રેડ થઈને બસ સ્ટેશન જતી બસના કેટલાક ડ્રાઈવર ઓફ્રેડ પાસે થોભતા નથી, તેવી પ્રવાસીઓએ ફરિયાદ કરી હતી. આ સમસ્યાને નિવારવા ડ્રાઈવરોને કડક સૂચના આપવામાં આવે તેવી માંગ મુસાફરોએ  કરી હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer