માનવ ગરિમા યોજના માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયાનો જિલ્લામાં પ્રારંભ

ભુજ, તા. 13 : ગુજરાત સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ ઈશ્વરભાઈ પરમાર (મંત્રી સામાજિક ન્યાય અને અધિકારીતા)ના નિર્દેશથી સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિના લાભાર્થીઓ પગભર થઈ પોતાનો ધંધો કરી શકે તે માટે `માનવ ગરિમા યોજના' હેઠળ ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલે શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત કુલ્લ 1થી 23 અલગ-અલગ કામ કરવા માટેની કિટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. આ યોજનામાં ઓટો રિપેરિંગ, સાયકલ રિપેરિંગ, સુથારી કામ, સાવરણી કામ, શાકભાજી વેચનાર, વાંસ કામ, સીવણ કામના સાધનો, પાન-બીડીના સાધનો, સાયકલ ફેરી, લુહારી કામ, કડિયાકામ, વાળંદના સાધનો દૂધ-દહીં વેચનારો, ફિસિંગ નેટ ઠોલ ત્રાસાના સાધનો, મોચી કામ, લારી કામ, ધોબી કામ , બ્યુટી પાર્લર, પ્લમ્બર, પાણી વેચનાર વગેરે 23 જેટલી કીટ સ્વરોજગારી આપવાના હેતુ આપવામાં આવશે. આ માનવ ગરીમા યોજનાના ફોર્મ?નાયબ નિયામકની કચેરી, (પછાત કલ્યાણ વર્ગ), બ્લોક નં. 104/05, બહુમાળી ભવન, ભુજ-કચ્છ ખાતેથી મેળવીને ફોર્મની સંપૂર્ણ વિગત ભરીને તા. 8/2/2018 સુધીમાં એ જ કચેરીમાં જમા કરાવવાના રહેશે. આ યોજનાનો પૂરેપૂરો લાભ લેવા માટે જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ કે. મહેશ્વરીએ યાદીમાં જણાવ્યું હતું. વધુમાં શ્રી મહેશ્વરીએ જણાવ્યું હતું કે, લાભાર્થીની ઉમર 18 વર્ષથી ઓછી નહીં અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ, તેમજ લાભાર્થીની વાર્ષિક આવક ગ્રામ્ય કક્ષાએ 1,20,000 અને શહેરી કક્ષાએ 1,50,000થી ઓછી હોય તેવા લાભાર્થીઓ લાભ લઈ શકશે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer