દૂધના ઉત્પાદનમાં વધારાના કારણે ભાવ ઘટવાની સંભાવના

ભુજ, તા. 13 : દેશ-દુનિયામાં દૂધના ઉત્પાદનમાં ઉછાળાનાં કારણે દૂધના ભાવોમાં ઘટાડો થવાની શક્યતા પ્રબળ બની છે. દૂધનો સંગ્રહ ડેરીના સ્તરે કરવો કઠિન બનતો જઇ રહ્યો છે. તેમ છતાં દૂધ સંઘની મંડળી સાથે સંકળાયેલા હોય તેવા ખરા અર્થમાં પશુપાલકો માટે દૂધ સ્વીકારવામાં કોઇ જ મર્યાદા બાંધી નથી, તેવી સ્પષ્ટતા કચ્છ જિલ્લા સહકારી દૂધ?ઉત્પાદક સંઘ લિ. `સરહદ ડેરી' તરફથી કરાઇ છે. ભુજમાં સંપન્ન થયેલા કૃષિ અને ડેરી એકસ્પો દરમ્યાન દૂધ નહીં સ્વીકારાતું હોવાની ઊઠેલી વાતની પ્રતિક્રિયામાં સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઇ હુંબલે જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા સરહદ ડેરી દ્વારા 150 મેટ્રિક ટનના પાવડર પ્લાન્ટનું કામ ચાલુ છે, જે ત્રણ મહિનામાં જ શરૂ થઇ જશે. દરમ્યાન, સરહદ ડેરીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર નીરવ ગુંસાઇએ સ્પષ્ટ કર્યું હતું કે, જૂના ચાલુ સભાસદો પર કોઇ મર્યાદા નથી, પરંતુ ખાનગી ફેરિયાનું વધેલું દૂધ અને નવા સભાસદો દાખલ કરતાં જૂના સભાસદોનું હિત ન જોખમાય તેની તકેદારી રાખવામાં આવે છે. ખોટી અફવાઓ પર ધ્યાન નહીં આપવા અને નિયમિત પશુપાલકને કોઇ ફરિયાદ હોય તો  સરહદ ડેરીના કન્ટ્રોલ સેન્ટર પર ફોનથી જાણ કરવાનું કહેતાં શ્રી હુંબલે કોઇપણ ફરિયાદનું તાત્કાલિક નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer