ગાંધીધામના ચોખાની ચોરીના કિસ્સામાં ભુજના નામીચા વેપારીની ધરપકડ

ગાંધીધામ, તા. 12 : ગાંધીધામ-કંડલા માર્ગ પર નીલકંઠ ગોદામમાંથી રૂા. 14.80 લાખના ચોખાની ચોરીના મામલામાં પોલીસે આજે ભુજની નવી જથ્થાબંધ બજારના નામીચા યુવા વેપારી પ્રતીક કનુભાઇ ઠક્કરની ધરપકડ કરી હતી. તેની પૂછતાછમાંથી ચોરી અને ચોરાઉ માલનું પગેરું મહુવા, રાજકોટ અને ભુજના કેટલાક વેપારીઓ તરફ મળ્યું છે. ચોખા ચોરીના આ કેસમાં ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે ગઇકાલે ચાર તહોમતદારને પકડયા હતા. તેમની પાસેથી મળેલી માહિતીના આધારે ભુજ ધસી ગયેલી તપાસનીશ ટુકડીએ નવી જથ્થાબંધ બજારમાં સ્તુતિ માર્કેટિંગના નામે પેઢી ચલાવતા પ્રતીક ઠક્કરને ઉપાડી લીધો હતો. આજે રાત્રે આ યુવાનની વિધિવત્ ધરપકડ બતાવાઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રતીકની પૂછતાછમાં મહુવા, રાજકોટ, ઉપરાંત ભુજ શહેરના કેટલાક વેપારીઓ તરફ પગેરું નીકળ્યું છે. ગઇકાલે પકડાયેલા ચાર આરોપીએ પોલીસને એવી કેફિયત આપી છે કે, ભુજનો અશરફ નામે વ્યક્તિ ચોરાઉ માલ પ્રતીકને પહોંચાડતો હતો. અશરફ સહિતના સંડોવણી ધરાવનારા માથાઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. દરમ્યાન, આવતીકાલે પ્રતીકને રિમાંડની માગણી સાથે કોર્ટ સમક્ષ રજૂ કરાશે. ઉલ્લેખનીય છે કે આજે પકડાયેલો ભુજનો પ્રતીક ઠક્કર ભૂતકાળમાં ચોરી તથા હુમલાના કેસમાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે. ડયૂટી ચોરીના ગરમ ગુડાંગ સિગારેટના પ્રકરણમાં પણ તેનું નામ સપાટીએ આવ્યું હતું, પણ બાદમાં તેને પકડવા સહિતની કોઇ?કાર્યવાહી થઇ નહોતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer