ગાંધીધામમાં દાદી ગજવાણી ખેલ ઉત્સવ અંતર્ગત વિવિધ રમત સ્પર્ધાઓ સંપન્ન

ગાંધીધામમાં દાદી ગજવાણી ખેલ ઉત્સવ અંતર્ગત વિવિધ રમત સ્પર્ધાઓ સંપન્ન
ગાંધીધામ, તા. 12 : એસઆરસીના પૂર્વ ચેરપર્સન સ્વ. દાદી નિર્મલા ગજવાણીની સ્મૃતિમાં એચ. આર. ગજવાણી બી.એડ. કોલેજ દ્વારા આયોજિત દાદી ગજવાણી ખેલ ઉત્સવ અંતર્ગત વિવિધ શાળાકીય અને જિલ્લા કક્ષાની રમત-ગમત સ્પર્ધાઓ સંપન્ન થઇ હતી. વિવિધ સ્પર્ધામાં ખેલાડીઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો. ખેલ ઉત્સવનું સમાપન આગામી તા. 21/1ના કરાશે. કચ્છમિત્ર મીડિયા પાર્ટનરના સહયોગથી આયોજિત આ ખેલ ઉત્સવનો ગાંધીધામથી આદિપુર સુધી મેરેથોન દોડના આયોજનથી આરંભ થયો હતો. આ ઉપરાંત વિવિધ રમતગમત સ્પર્ધાઓ યોજાઇ હતી. અંડર-14 અને અંડર-17 ફૂટબોલ વિભાગમાં વિવિધ ટીમોએ જંપલાવ્યું હતું. અંડર-14 ભાઇઓના વિભાગમાં 18 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં અમરચંદ સિંઘવી અને માઉન્ટ લિટરા ઝી સ્કૂલ અનુક્રમે પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા બની હતી. બહેનોના વિભાગમાં 10 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં વેલસ્પન વિદ્યામંદિરની શાળા પ્રથમ જ્યારે ગુરુકુલ વિદ્યાલય દ્વિતીય ક્રમે વિજેતા બની હતી. અંડર-17 વયજૂથમાં ભાઇઓના વિભાગમાં 20 ટીમો વચ્ચે જંગ ખેલાયો હતો, જેમાં આત્મીય વિદ્યપીઠ સ્કૂલે પ્રથમ જ્યારે સાધુ વાસવાણી ઇન્ટરનેશનલ સ્કૂલે દ્વિતીય ક્રમ મેળવ્યો હતો. મહિલા વિભાગમાં 10 ટીમો પૈકી મોડર્ન સ્કૂલ પ્રથમ ક્રમે જ્યારે કાકુભાઇ પરીખ સ્કૂલ દ્વિતીય ક્રમે વિજેતા જાહેર થઇ હતી. કે.ડી.ટી.ટી.એ. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે જિલ્લા કક્ષાની ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં 96 ભાઇઓ અને 22 બહેનો સહિત 118 સ્પર્ધકો જ્યારે બેડમિન્ટનમાં 125 યુવકો, 35 યુવતીઓ સહિત 160 સ્પર્ધકો જોડાયા હતા. ડી.એન.વી. કોલેજના મેદાનમાં યોજાયેલી બાસ્કેટ બોલની સ્પર્ધામાં 252 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. અંડર-14 વયજૂથમાં ભાઇઓના વિભાગમાં ડી.પી.એસ. પ્રથમ ક્રમે અને અમરચંદ સિંઘવી સ્કૂલ દ્વિતીય ક્રમે, મહિલાઓના વિભાગમાં અમરચંદ સિંઘવી સ્કૂલ પ્રથમ જ્યારે સહયોગ સરસ્વતી વિદ્યામંદિર (અંજાર)ની ટીમ દ્વિતીય ક્રમે વિજેતા જાહેર કરાઇ હતી. અંડર-17 વયજૂથમાં ભાઇઓના વિભાગમાં ડી.પી.એસ. સ્કૂલે પ્રથમ, આત્મીય વિદ્યાપીઠ શાળાએ દ્વિતીય ક્રમ હાંસલ કર્યો હતો. એચ. આર. ગજવાણી કોલેજના મેદાનમાં વોલીબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. અંડર-14 બહેનોના વિભાગમાં એક્સેલસિયર મોડર્ન સ્કૂલ પ્રથમ, વેલસ્પન વિદ્યામંદિર (અંજાર) દ્વિતીય ક્રમે વિજેતા બની હતી. ભાઇઓના વિભાગમાં એકસેલસિયર મોડર્ન સ્કૂલ પ્રથમ અને આત્મીય વિદ્યાપીઠ શાળાની ટીમ અનુક્રમે પ્રથમ, દ્વિતીય ક્રમે વિજેતા બની હતી. અંડર-17 વયજૂથમાં બહેનોના વિભાગમાં પણ એક્સેલસિયર મોડર્ન સ્કૂલે પ્રથમ જ્યારે વેલસ્પન વિદ્યામંદિરની ટીમે દ્વિતીય ક્રમાંક હાંસલ કર્યો હતો. જ્યારે ભાઇઓના વિભાગમાં એક્સેલસિયર મોડર્ન સ્કૂલ પ્રથમ અને આત્મીય વિદ્યાપીઠ દ્વિતીય ક્રમે વિજેતા બની હતી. વિવિધ સ્પર્ધાઓમાં કોલેજ સંચાલક મંડળના ચેરમેન સુરેશ ગજવાણી ઉપસ્થિત રહ્યા હતા. આગામી તા. 21/1ના સ્વ. દાદી નિર્મલા ગજવાણીની પુણ્યતિથિએ ખેલ ઉત્સવનો સમાપન સમારોહ યોજાશે અને વિવિધ સ્પર્ધાના વિજેતા ખેલાડીઓને પુરસ્કાર આપી સન્માનિત કરાશે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer