ખારેક સંશોધન કેન્દ્ર ઇતિહાસ આલેખવા તૈયાર

ખારેક સંશોધન કેન્દ્ર ઇતિહાસ આલેખવા તૈયાર
કેયૂર વૈદ્ય દ્વારા   ભુજ, તા.12 : આબોહવા અને વરસાદની અપૂરતી મહેર સહિતના પડકારો ધરાવતી કચ્છની ધરતી ખારેક જેવા અનેક એવા પાક ધરાવે છે જે આ મુલકના આર્થિક કલેવરને બદલવાની તાકાત ધરાવે છે. ખારેકના પાકમાં સંશોધન કરીને તેનું ઉત્પાદન કઈ રીતે વધે અને કઈ રીતે તેની નિકાસ દ્વારા ખારેક પકવનારાઓ આર્થિક રીતે પણ મજબૂત બને તે માટે ઈઝરાયેલની ટેકનોલોજી હવે કચ્છના ઘરઆંગણે ઉપલબ્ધ બનશે. ઈઝરાયેલ સરકારના સહયોગથી   અહીં કુકમા નજીક બનાવાયેલું દેશનું સર્વપ્રથમ ખારેક સંશોધન કેન્દ્ર બનીને તૈયાર છે અને આ મહિનાની 17મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ રિમોટ કન્ટ્રોલ વડે તેને ઉદઘાટિત કરશે તે સાથે જ ખારેકના ક્ષેત્રમાં એક નવા ઈતિહાસનો આલેખ શરૂ થશે. કચ્છમિત્રની ટીમે જ્યારે ભુજ-ભચાઉ રોડ પર જિલ્લામથકથી 10 કિ.મી.ના અંતરે આવેલા આ કેન્દ્રના પરિસરની મુલાકાત લીધી ત્યારે ઉદઘાટન પહેલાંની આખરી તૈયારીઓનો ધમધમાટ નજરે પડયો હતો.  સેન્ટર ફોર એક્સેલેન્સ ફોર ડેટપ્લામ એવા ભારેખમ અંગ્રેજી નામ ધરાવતું આ ખારેક ઉત્કૃષ્ટતા કેન્દ્ર ચાર હેક્ટર (10 એકર)માં ફેલાયેલું છે.  અહીં મળી ગયેલા નાયબ બાગાયત નિયામક ભુજ ડો. ફાલ્ગુન મોઢે વિગતો આપતાં જણાવ્યું હતું કે આખો પ્રોજેક્ટ છેલ્લા બે વર્ષથી વિચારણા તળે હતો અને હવે સાડા ચાર કરોડના ખર્ચે આ અદ્યતન ભવન નિર્માણ પામ્યું છે. તેમણે કહ્યું કે આખો પ્રોજેક્ટ મિશન ફોર ઈન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર તળે હાથ ધરાયો છે. ઇઝરાયેલની `મશાવ' એજન્સી આ પ્રોજેકટમાં જોડાયેલી છે. તેમણે કહ્યું કે કચ્છમાં 18 હજાર હેક્ટરમાં ખારેકનો પાક લેવાય છે અને સવા લાખ ટન જેટલું તેનું ઉત્પાદન થાય છે. આ કેન્દ્ર થકી ખારેકનું ઉત્પાદન વધારવા, ગુણવત્તા વધારવા અને ખેડૂતોને સારા ભાવ મેળવવાના પ્રયાસો કરવામાં આવશે. આ કેન્દ્રનો મુખ્ય આશય જણાવતાં ડો. મોઢે કહ્યું કે કચ્છમાં જૂનથી જુલાઈ સુધીમાં ખારેકનું ઉત્પાદન થતું હોય છે અને તેની પાછળ તરત જ વરસાદ આવતો હોવાથી તે ઉતાર્યા બાદ બગડે નહીં, તેનું ઉત્પાદન વધે, સૂકી ખારેક બનાવીને તેનું મૂલ્યવર્ધન થઈ શકે અને કઈ રીતે નિકાસ કરવી તે દિશામાં ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. ડો. મોઢે જણાવ્યું કે આ પરિસરમાં  10 હજાર ચોરસ મીટરમાં એક નેટહાઉસ બનાવવામાં આવ્યું છે જેમાં પીલાની નર્સરીનું નિદર્શન આપવામાં આવશે. તે સિવાય પીલાના વાવેતર માટે વિશાળ ખેતર પણ બનાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે અહીં ખેડૂતોને નિદર્શન અને માર્ગદર્શન માટે બોલાવવામાં આવશે તથા તજજ્ઞો તેમના પ્રશ્નો સાંભળીને યોગ્ય સૂચનો કરશે. અહીં ખેડૂતોને રહેવા માટેની સુવિધા પણ વિકસાવવામાં આવી છે. રાજકોટના નાયબ બાગાયત નિયામક આર.એચ. લાડાણીએ કહ્યું કે કચ્છની આબોહવાની જે સ્થિતિ છે તેને ધ્યાને લેતાં આ ખારેક સંશોધન કેન્દ્ર ખેડૂતોને ઉપયોગી બની શકે તેમ છે. અહીં ખેડૂતોને ખારેકના જે હયાત બગીચા છે તેમાં શું ફેરફાર કરવાથી ધાર્યું પરિણામ મેળવી શકાય તે પણ દર્શાવવામાં આવશે. તેમણે કહ્યું કે મુખ્ય ઈમારતની જોડાજોડ અદ્યતન કોલ્ડ સ્ટોરેજ પણ બનાવવામાં આવ્યું છે જેમાં માઈનસ પચાસ ડિગ્રીના તાપમાને ખારેકને સાચવવામાં આવશે. ઉપરાંત અહીં જ ખારેકના પેકિંગ સહિતની સુવિધા છે. 

`મશાવ'નું કચ્છમાં કદમ  કચ્છમાં દેશના એકમાત્ર એવા ખારેક સંશોધન કેન્દ્રનું નિર્માણ થયું તેમાં ઈઝરાયેલ તરફથી `મશાવ' સંસ્થાનું પ્રમુખ યોગદાન છે. મશાવ એ ઈઝરાયેલના વિદેશ મંત્રાલય તળે 1957માં સ્થપાયેલી અંતરરાષ્ટ્રીય વિકાસ-સહકાર અંગેની એજન્સી છે. ઈઝરાયેલના વિકાસ કાર્યક્રમોની ડિઝાઈન, સંકલન અને તેના ક્રિયાન્વયનની જવાબદારી મશાવની હોય છે.  આ એજન્સી કુદરતી આપત્તિઓના પ્રસંગે માનવતાવાદી મદદ પૂરી પાડે છે અને પુનર્નિમાણના કાર્ય કરે છે. મશાવ લાંબાગાળાનો વિકાસ, કલાઈમેટ ચેન્જ, અન્ન સલામતીના ક્ષેત્રમાં પણ કાર્યરત છે. ખાસ તો કૃષિ અને ગ્રામવિકાસના ક્ષેત્રમાં તેનું મહત્ત્વનું યોગદાન છે. 
ઇઝરાયેલ એટલે...  ઈઝરાયેલ કચ્છ જેવી જ આબોહવા ધરાવતો દેશ છે અને તેણે પડકારોને પડકારીને રણભૂમિનો મોટો હિસ્સો હોવા છતાં પાણીના મહત્તમ ઉપયોગ વડે વિશ્વને અચંબિત કરતા ગુણવત્તાસભર પાકો પકવીને પોતાનું નામ કર્યું છે. પ્રાકૃતિક સંસાધનોના અભાવમાં ઈઝરાયેલે સિંચાઈમાં સૂઝ વાપરીને સૂકા વિસ્તારોને મબલખ પાક પકવતા વિસ્તારોમાં પરિવર્તિત કરવામાં અને દેશને ખાદ્યઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવામાં સફળતા મેળવેલી છે. ઈઝરાયેલે ખારેક જેવા પાકમાં ઉત્પાદન વધારા અને તેમાં મૂલ્યવર્ધન દ્વારા તેના કિસાનોને આર્થિક સમૃદ્ધ બનાવેલા છે અને હવે ભારત સરકારને ખારેકના ઉત્પાદનથી લઈને તેના વેચાણ સુધીની ગુરુચાવી આપવા સંમતિ દર્શાવતાં આ અદ્યતન ભવન સાકાર બન્યું છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer